• મંગળવાર, 02 જુલાઈ, 2024

ભારતીય ચલણના 10ના સિક્કાનો અસ્વીકાર છતાં પગલાં નહીં

ભુજ, તા. 29 : ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા રૂા. 10ના ચલણી સિક્કા ચલણમાં  હોવા છતાં કચ્છમાં ભુજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વેપારીથી માંડી ગ્રાહકો દ્વારા સ્વીકાર કરવામાં નહીં આવતા હોવા છતાં અફસોસ વાતનો છે કે, ભારતીય ચલણનો જાહેરમાં અસ્વીકાર થાય છે છતાં તેને સ્વીકારવા માટે કોઇ તંત્રની ધાક રહી નથી. આમ તો કચ્છની તમામ બેન્કોના લેખાંજોખાં માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને ત્રણ મહિને સમીક્ષા બેઠક યોજવામાં આવે છે, જેમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની હાજરી હોવા છતાં રૂા. 10ના સિક્કા કચ્છમાં લેવા કે દેવા કોઇ તૈયાર થતું નથી મુદ્દે કોઇ ચર્ચા કે તેના પર કડક પગલાં લેવાશે જાતનો નિર્ણય  લેવામાં આવતો નથી. મતદાન કરો તો વેપારીઓ કમિશન આપશે. માટે તંત્ર તરફથી બેઠક બોલાવીને વેપારીઓને  સમજાવવામાં આવે છે, પરંતુ રૂા. 10ના સિક્કા સ્વીકારાતા નથી મુદ્દે કોઇ સૂચના આપવામાં આવતી નથી. એક બાજુ રૂા. 10ની નોટ હવે જાણે બંધ થઇ ગઇ છે. દિવાળી ઉપર આવતી હતી તે પણ માંડ મળે છે. આવા સંજોગોમાં રૂા. 10નું ચલણ તો જરૂરી બન્યું છે. જો દસના સિક્કા સ્વીકારવામાં નહીં આવતા ખૂબ મુશ્કેલી થાય છે. તેમાંય સાવ નાની ખરીદી શાકભાજી, નાસ્તો અને એસ.ટી. બસમાં મુસાફરી આવા સ્થળોએ રૂા.10ની મોટી જરૂરિયાત ઊભી થતી હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું. ભારતીય ચલણનો જાહેરમાં સ્વીકાર કરવામાં નહીં આવતો  હોવા છતાં બેન્ક દ્વારા શા માટે પગલાં લેવામાં નથી આવતા અથવા એવી વ્યવસ્થા હોવી જોઇએ કે કોઇ ચલણ લેવાની ના પાડે તો મોબાઇલ નંબર ડાયલ કરવાથી  તેના પર અંકુશ રહે. મુદ્દે બેન્કોના સમૂહના વડા લીડ મેનેજર શ્રી ગામીતને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, રૂા. 10ના સિક્કા ફરજિયાત બધાએ  સ્વીકારવા જોઇએ અને લેનાર-આપનાર જો જાગૃત બનશે તો  સમસ્યા નહીં થાય. રૂા. 10ના ચલણ ઉપર કોઇ પ્રતિબંધ નથી. લોકો માનસિકતા બદલે અને એકબીજાને સહકાર આપી ચલણ સ્વીકારે કેમ કે સિક્કાનું આયુષ્ય લાંબું હોવાથી આર.બી.આઇ. બહાર પાડે છે. રૂા. 10ની નોટ  ખરાબ થઇ જાય છે, તેથી તેનું છાપકામ થતું નથી. અમે તો કેમ્પ યોજીને ગ્રાહકોને સમજાવીએ છીએ,?છતાં કોઇ ક્યાંય પગલાં લેવાની જરૂર પડશે તો રિઝર્વ બેન્ક, કલેક્ટર સાથે ચર્ચા કરી કડક અમલવારી કરાવવાના પ્રયાસ કરાશે એમ તેમણે જણાવ્યું હતું. બીજી બાજુ નાની-મોટી ખરીદીમાં જ્યાં રૂા. 10ના ચલણનું રોજ-બરોજ ખૂબ મહત્ત્વ છે એવા વેપારીઓ પણ મુશ્કેલી અનુભવે છે. રોજ ગ્રાહકોને સમજાવવા પડે છે. મુદ્દે મીઠાઇના વેપારી શૈલેષભાઇ ઠક્કર કહે છે કે, અમારી પાસે સીધી રીતે ગ્રાહકો રૂા. 10ના સિક્કા લેતા નથી, પણ એમને કહીએ કે તમારી પાસે ઘરમાં જેટલા હોય લઇ આવજો. સામે અમે રોકડા આપી દેશું ત્યારે માંડ સમજે છે. નોટ આવતી નથી ને રોજ મોટી માત્રામાં સિક્કાની જરૂરત પડે છે અને ગ્રાહકો સાથે ક્યારેક જીભાજોડી પણ થાય છે. એમ કહેતા વધુમાં જણાવ્યું કે, અમે બેન્કમાંથી મગાવીએ છીએ એમ ગ્રાહકોને કહીએ ત્યારે સમજે છે. વળી રૂા. 5ના સિક્કા તો બેન્કમાં અથવા મળતા નથી એટલે પાંચના સિક્કાની મોટી અછત હોવાથી ચલણની અછત હોય એવું કચ્છમાં ચાલતું હશે. મુંબઈમાં તો રીક્ષાવાળા 1થી 10નું ચિલ્લર થેલા ભરીને રાખે છે. બધા આપ-લે કરે છે. અહીં કોણ સાંભળે ? એવી રીતે એસ.ટી. બસના કન્ડક્ટરોને છૂટા માટે રોજ મગજમારી કરવાનો વખત આવે છે. અનુભવી કન્ડક્ટર એવા હરેશ ચાવડા કહે છે કે, અમે દરેક પ્રવાસી પાસેથી લઇ છીએ. કેમ કે અમને તો અમારા વિભાગ મારફતે બેન્કમાં જતા કરાવવાના હોય છે, પણ મુસાફરોને સિક્કો આપીએ તો લેતા નથી. એટલે ઝંઝટ છોડી ચલાવી લઇએ છીએ. રોજિંદી સમસ્યા છે. ખરેખર એક માર્ગદર્શિકા જાહેર થવી જોઇએ, જેથી આપણા ચલણનો કોઇ અસ્વીકાર કરે. મેડિકલ સ્ટોરના વેપારી નીતિનભાઇ ચંદન કહે છે કે, ખરેખર રોજની તકલીફ છે અને ગ્રાહકો સાથે 10ના સિક્કા મામલે રામાયણ થાય છે. દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે. વેપારી તરીકે અમે લઇએ છીએ પણ ગ્રાહકો સ્વીકારતા નથી. અમે તો દુકાનમાં સિક્કા સ્વીકારીએ છીએ એવું ધોરણસર બોર્ડ માર્યું છે. સ્ટેટ બેન્કમાંથી મળેલી માહિતી પ્રમાણે દર ત્રણ મહિને સ્ટેટ બેન્કમાં રૂા. બે-અઢી લાખના 10ના સિક્કા આવે છે. અત્યારે પણ 4 લાખનો જથ્થો પડયો છે. છેલ્લા પાંચ વર્ષમાં એક કરોડ સિક્કા એટલે કે રૂા. 10 કરોડની કિંમતના ચલણમાં ફરતા હોવા છતાં લેવાની આનાકાની કરવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang