• મંગળવાર, 02 જુલાઈ, 2024

ટી-20માંથી કોહલીની `વિરાટ' વિદાય

બાર્બાડોસ, તા. 29 : ટી-20 વિશ્વકપમાં વિજય સાથે ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યાના રોમાંચક પ્રસંગથી દેશભરના ક્રિકેટરસિયાઓમાં ફેલાયેલી ખુશીની લહેર વચ્ચે સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ શનિવારની રાત્રે ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. ક્રિકેટપ્રેમી સમુદાય માટે કોહલીનું એલાન આનંદ વચ્ચે આંચકા સમાન બની રહ્યું હતું. ફાઇનલમાં આફ્રિકાને સાત રને હાર આપી ખિતાબી જીત બાદ કોહલીએ કહ્યું હતું કે, મારો અંતિમ ટી-20 વિશ્વકપ હતો. વિશ્વકપ ફાઇનલમાં 76 રન ફટકારી દઇને વિજયમાં વિરાટ યોગદાન સાથે વિદાય લેનાર કોહલીએ જણાવ્યું હતું કે, હવે નવી પેઢી બાગડોર સંભાળે. ભારત માટે મારી છેલ્લી ટી-20 મેચ હતી, અમે કપ ઉઠાવવા માગતા હતા, મોકો હતો - `અત્યારે અથવા કદી નહીં' જેવી સ્થિતિ હતી. બસ, હવે દેશના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને તક મળે તેવું ઇચ્છું છું, તેવું વિરાટે કહ્યું હતું. કોહલીએ કહ્યું હતું કે, એક ખુલ્લું રહસ્ય હતું. એવું કંઇ નહોતું જે હાર પછી પણ ઘોષિત નહોતો કરવાનો. અમારા માટે આઇસીસી ટૂર્નામેન્ટ જીતવાનો ઇંતજાર લાંબો રહ્યો છે. રોહિત શર્માએ નવ ટી-20 વિશ્વકપ રમ્યા છે અને મારો છઠ્ઠો વિશ્વકપ હતો. રોહિત વ્યક્તિ છે જે જીતનો સૌથી વધારે હક્કદાર છે. ભવ્ય વિજય બાદ ભાવનાઓનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે, તેવું કોહલીએ કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang