• મંગળવાર, 02 જુલાઈ, 2024

આજે રોહિત-વિરાટની આખરી ટી-20 ઇન્ટરનેશનલ મેચ ?

નવી દિલ્હી, તા. 28 : ભારતીય ક્રિકેટનો કોઇ પણ ચાહક શનિવારે બારબાડોસમાં ટી-20 વિશ્વકપ ફાઇનલ બાદ કપ્તાન રોહિત શર્મા અને સ્ટાર વિરાટ કોહલીની આંખમાં દુ:ખના આંસુ જોવા નહીં માગે, જે 7 મહિના અને 10 દિવસ પહેલાં વન-ડે વિશ્વકપ ફાઇનલ બાદ જોવાં મળ્યાં હતાં. પ્રશંસકો નિશ્ચિત રૂપે એવું ઇચ્છે છે કે, આ બન્ને મહાન ખેલાડીને ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી યાદગાર વિદાય મળે. એક અહેવાલના દાવા મુજબ રોહિત-વિરાટ માટે ટીમ ઇન્ડિયાની જર્સીમાં આ આખરી ટી-20 મેચ હોઈ શકે. અહેવાલ અનુસાર વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાની ત્રિપુટીને ટી-20 ફોર્મેટમાં હવે લગભગ મોકો મળશે નહીં. આ માટે પસંદગીકારોએ જ નહીં પણ આ ત્રણેય અનુભવી ખેલાડીઓએ પણ મન બનાવી લીધું છે. ટેસ્ટ અને વન-ડે કારકિર્દી પર ધ્યાન આપવા માટે રોહિત-વિરાટ લગભગ ટી-20 ફોર્મેટ છોડવા તૈયાર થયા છે, જ્યારે જાડેજાના વિકલ્પ પસંદગીકારો પાસે હાજર છે. 2026નો ટી-20 વિશ્વકપ ભારત-શ્રીલંકામાં રમાવાનો છે, ત્યારે રોહિત 39 વર્ષનો અને વિરાટ 38નો હશે. ફાઇનલ બાદ આ બન્ને ખેલાડી સંન્યાસની ઘોષણા કરશે નહીં, પણ બીસીસીઆઇ સાથે વાતચીત કરી આખરી નિર્ણય લેશે. રોહિત-વિરાટ આઇપીએલનો હિસ્સો બની રહેશે. રોહિત અને વિરાટ ભારતમાં બહુ મોટી બ્રાંડ છે. તેમના કરોડો ચાહકો અને ફોલોઅર્સ છે. જો ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનશે તો એ વાતની પૂરી સંભાવના છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટને બાયબાય કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang