ભુજ, તા. 3 : પહેલા દાવની
મોટી સરસાઈના આધારે રાજકોટ રૂરલને હરાવીને કચ્છ ક્રિકેટ એસોસિયેશન-ભુજની ટીમે પહેલીવાર
આંતરજિલ્લા અંડર-14 સ્પર્ધાની ફાઈનલમાં વટભેર પ્રવેશ કર્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ
એસોસિયેશન આયોજિત ટૂર્નામેન્ટની રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમ-બી ખાતે રમાયેલી સેમિફાઈનલ
મેચના બીજા દિવસે ભુજની ટીમે પોતાનો દાવ 118 રનથી આગળ વધારતાં 90 ઓવરમાં 3 વિકેટના
ભોગે 243 રન બનાવ્યા હતા, જેમાં કીર્તન કોટકના એક છેડેથી નોટઆઉટ 130 રન મુખ્ય હતા તેમજ
વીર ગોરે 38 રન, વેદ જોશીએ 19 રનનું યોગદાન આપ્યું હતું. ટીમને પ્રથમ ઈનિંગ્સમાં
137 રનની લીડ મળી હતી. બીજા દાવમાં રાજકોટ રૂરલે
19 ઓવરમાં 68 રન જ બનાવતાં મેચને ડ્રો જાહેર કરાઈ હતી, તેથી ભુજની ટીમ પ્રથમ ઈનિંગ્સની
સરસાઈમાં વિજેતા જાહેર થતાં તેનો ફાઈનલમાં પ્રવેશ થયો હતો. ભુજની ટીમ પ્રથમ વખત ફાઈનલમાં
પહોંચી છે, તેનો શ્રેય ટીમના ખેલાડીઓની સાથે કોચ યુવરાજસિંહને પણ જાય છે. આ પહેલાં
અંડર-19 ટીમને પણ સેમિફાઈનલ સુધી પહોંચાડી હતી. ટીમને કચ્છ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ
બહાદૂરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરત ધોળકિયા,
મંત્રી અતુલ મહેતા અને સહમંત્રી પ્રવીણ હીરાણી તેમજ સિલેક્ટરો અશોક મહેતા, ગિરીશ ઝવેરી,
મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, મહેશ પંડયાએ બિરદાવી હતી. ટીમ સાથે મેનેજર તરીકે
અમિત રાઠોડ જોડાયેલા છે.