નવી દિલ્હી, તા. 5 : જેમ-જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક
આવી રહી છે, તેમ તેમ નેતાઓના નિવેદનોથી રાજકીય ઘમસાણ સર્જાઈ રહ્યું છે. દિલ્હીથી ભાજપના
ઉમેદવાર રમેશ બિધુડીએ એક જનસભાને સંબોધતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર આપત્તિજનક
નિવેદન આપ્યા બાદ કોંગ્રેસે વાંધો નોંધાવ્યો હતો અને માફી માગી હતી, તો સાંજે બીજી
વખત બફાટ કરતાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અંગે વિવાદ સર્જતી ટિપ્પણી કરી હતી, જે
અંગે પ્રતિક્રિયા આપતાં આતિશીએ કહ્યું હતું કે, ભાજપની મહિલાઓ પ્રત્યેની માનસિકતા પ્રગટ
થઈ રહી છે. એક મીડિયા હેવાલ મુજબ, કાલકાજીથી
મુખ્યમંત્રી આતિશી સામે મેદાને ઉતરેલા રમેશ બિધુડીનો કોંગ્રેસે જારી કરેલા વીડિયોમાં
તેઓ કહી રહ્યા છે કે, હું કાલકાજીમાં બધા રસ્તા
પ્રિયંકા ગાંધીના ગાલ જેવા કરી દઈશ. કોંગ્રેસના પવન ખેડાએ આ નિવેદન અંગે વાંધો નોંધાવ્યો
હતો અને આ ગેરવર્તણૂક તેમના માલિકોની અસલિયત છતી કરે છે તથા આરએસએસના સંસ્કાર ભાજપના
આવા નેતાઓમાં જોવા મળી રહ્યા છે તેમ કહ્યું હતું. તે પછી બિધુડીએ માફી માગી હતી. આ
રાજકીય વિવાદ હજુ શમ્યો જ હતો કે, સાંજે ફરી રમેશ બિધુડીએ દિલ્હીના મુખ્યમંત્રી આતિશી
અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને આતિશીએ પિતા બદલી નાખ્યા છે. પહેલાં તેઓ માર્લના
હતા, હવે તેઓ સિંહ થઈ ગયાં છે. તેમના માતા-પિતાએ
અફઝલ ગુરુની ફાંસી રોકવા માટે અરજી કરી હતી. તે ઉપરાંત રામવીર બિધુડીએ પણ પૂર્વ મુખ્યમંત્રી
અરવિંદ કેજરીવાલ અને આતિશીને લૂટારા કહ્યા હતા. બિધુડીની ટિપ્પણી બાદ આતિશીએ કહ્યું
હતું કે, રમેશ બિધુડીનું નિવેદન ભાજપની મહિલાઓ વિરોધી માનસિકતા દર્શાવે છે, દિલ્હીની
મહિલાઓ જવાબ આપશે તેમ કહ્યું હતું, તો આપ સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપના
નેતાઓ શરમ નેવે મૂકી રહ્યા છે.