• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

સનાતન સતપંથ સમાજ દ્વારા ત્રણ હજારથી વધુ લોકોની વ્યવસ્થા

કાઠડા (તા. માંડવી), તા. 5 : પ્રયાગરાજના  પૂર્ણ કુંભ મેળામાં આ વખતે ગુજરાતના સનાતન સતપંથ સમાજ કલ્કી તીર્થધામ  પ્રેરણા પીઠે જગન્નાથધામ ટ્રસ્ટની સાથે  સાત એકર જમીન પર ભવ્ય શિબિરનું આયોજન કર્યું છે. કુંભ મેળાના મહત્વનાં ક્ષેત્રમાં 20 નંબર સેક્ટર, કાલી સડક, સંગમ લોવર ચોરાહા, ઝુસી સાઇડ ખાતે આયોજિત  આ મહાશિબિરમાં યાત્રાળુઓ, ભકતો અને મહાનુભાવો માટે દોઢસોથી વધુ વિવિધ પ્રકારના રૂમોનું નિર્માણ કરાયું છે, જેમાં 3000થી વધુ લોકો રહી શકે તેવી વ્યવસ્થા રખાઇ છે એમ શિબિરના પ્રવક્તા ટ્રસ્ટી દેવજીભાઈ પટેલે જણાવ્યું હતું. બ્રહ્મલીન જગદગુરુ કરસનદાસજી મહારાજ, બ્રહ્મલીન જગદગુરુ હંસદેવાચાર્યજી મહારાજ અને  વર્તમાન જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજની પ્રેરણાથી જનાર્દન હરિજી મહારાજ અને જગન્નાથધામ ટ્રસ્ટના મહંત અરુણદાસજી મહારાજ આ દિવ્ય સંકુલનું આયોજન કરી રહ્યા છે. ચાલીસ દિવસ સુધીની આ મહાકુંભ શિબિરમાં લાખો યાત્રાળુઓને ભંડારા દ્વારા બે ટાઇમ ભોજન અને નાસ્તો પ્રસાદી રૂપે અપાશે. આ ચાલીસ દિવસ દરમિયાન પ્રતિષ્ઠિત કથાકારો દ્વારા કથા, રામાયણ પાઠ, હવન યજ્ઞ, સંકીર્તન, મહાપુરુષોના આશિર્વાદ, વિરાટ સંત સંમેલન અને ધાર્મિક અનુષ્ઠાન યોજાશે. પ્રયાગરાજ ખાતે કુંભ પરંપરાના 144મા કુંભ બાદ આ મહાકુંભ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ ગણાય છે. 17મી જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન તપોવન હરિદ્વારના ગીતા વ્યાસ  સ્વામી દિવ્યાનંદજી મહારાજ ભિક્ષુજી દ્વારા શિવપુરાણ, તા. 24/1થી 30/1 સુધી રમેશભાઇ ઓઝાની ભાગવત કથા, જનાર્દન હરિજી મહારાજ દ્વારા તા. 31/1થી 6/2 સુધી રામચરિત માનસ કથાનું આયોજન કરાયું છે. આ સ્થળની રામ જન્મભૂમિના રાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાયજી, વી.એચ.પી.ના રાષ્ટ્રીય મહામંત્રી અશોકભાઇ ત્રિવારી, અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી જિતેન્દ્રાનંદ સરસ્વતી સહિતના સંતોએ મુલાકાત લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd