• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

છારી પક્ષીઓની જ નહીં, કાંઠાળ સંસ્કૃતિની પણ વિરાસત

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 3 : કચ્છના મોટા રણ તરીકે જાણીતી મરૂ ભૂમિમાં સદીઓ પૂર્વે મહાસાગર હતો, તેના તટપ્રદેશમાં પથરાયેલા પ્રદેશોનો ભારે દબદબો હતો. તે સમયે સમુદ્રના કાંઠે પાંગરેલી સંસ્કૃતિના સંશોધન માટે દેશની રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ગોવાના સંશોધકોએ રણકાંઠાના જૂની કરન અને છારી વિસ્તારોની મુલાકાત લઇ સમુદ્રીય અવશેષો, માટી અને પથ્થરોના નમૂના, માટીનાં વાસણો, રમકડાના ટુકડાઓ વિ. પરીક્ષણ માટે એકત્ર કરાયા હતા. ડેક્કન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ?એ બાબત પૂરવાર કરી છે, કચ્છ એક ટાપુ હતો અને કાળક્રમે મોટા ભૂસ્તરીય ફેરફારો બાદ સમુદ્ર દટાઇને કચ્છનું રણ અસ્તિત્ત્વમાં આવ્યું. તે સમયે સમુદ્રના દક્ષિણ?તટે સમાંતર પથરાયેલા હાલના પાવરપટ્ટી પંથકની જાહોજલાલી હતી. આ વિસ્તારના ખારડિયા, નિરોણા, પશ્ચિમ છેવાડાના છારી વિકસીત બંદરો હતા. કચ્છ અને કરાચી વચ્ચે માલની થતી યાતાયાતનો કર પણ આ બંદરે વસુલાતો. ખારડિયા ગામના ખેતરોમાં લંગરની નિશાનીઓ જોવા મળતી પરંતુ હાલ તે ખેડવાણમાં તબદીલ થતાં નિશાની નષ્ટ પામી હતી. - તટીય સંસ્કૃતિનું મથક : પાવરપટ્ટીની પશ્ચિમે છારી ગામ અને નજીક મરૂભૂમિમાં પથરાયેલું છારીઢંઢ દેશી-વિદેશી પક્ષીઓ માટે જાણીતું છે. તેને `કચ્છી નળ સરોવર' પણ કહેવાય છે. શીત મોસમમાં લાખોની સંખ્યામાં પક્ષીઓનો મેળાવડો જામે છે. એ જ છારી ગામ હજારો વર્ષો પૂર્વની સમુદ્રીય, તટીય સંસ્કૃતિને સાચવી બેઠું છે. ગોવા સ્થિત દોના પાવલાની રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાનના સંશોધકોને જૂના દસ્તાવેજો તથા ઉપગ્રહ દ્વારા મળેલી માહિતી મુજબ કચ્છના મોટા રણના સ્થળે સમુદ્ર હતો અને કાંઠે છારી બંદર હતું. તેના સદીઓ જૂના અવશેષો આજે પણ મોજુદ છે, જેનાં ખાસ અભ્યાસ અને સંશોધન ગોવા સ્થિત રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાના ડો. અનિરુદ્ધસિંહ ગૌર અને ડો. હર્ષરાજસિંહે જુરા છારીની શોધ માટે હાલમાં જ કચ્છની મુલાકાત લીધી હતી. - ગ્રામજનોનો મત : આ લખનારને  સાથે રાખી બંને સંશોધકો હાલના છારી ગામે પહોંચી જૂની છારી અને ગામલોકો પાસેથી વિગતો મેળવી હતી. ગ્રામના અગ્રણીઓ ઇબ્રાહીમ સુમાર જત અને નુરઅલી જતે જૂની છારી સદીઓ પૂર્વે બે સ્થળોએ વસ્યું હોવાનું જણાવ્યું હતું. વિજ્ઞાનિકોએ પગપાળા નિરીક્ષણ કર્યું હતું. શરૂઆતનું પ્રથમ છારીગામ હાલના ગામની પૂર્વે દોઢેક કિ.મી.ના અંતરે તલ-લૈયારી રોડ નજીક ભગોડી તલાવડીને અડીને આવેલી તળેટી પર વસ્યું હતું. આઠેક સદી પહેલાંના આ છારી ગામના વસવાટ અંગે પુરાવા મળ્યા ન હતા, પરંતુ માટીના વાસણના નાના ટુકડાઓ જોવા મળ્યા હતા. - રસપ્રદ સંશોધન : હાલના છારી ગામને અડીને પશ્ચિમે ઊંચાણવાળા વિશાળ વિસ્તારમાં વસેલા બીજા છારી ગામના  સદીઓ પૂર્વેના મકાનો, હવેલીઓ, મેડીઓ, મસ્જિદ, સ્મશાન સહિતના અનેક જૂના અવશેષો નિહાળી સંશોધકો પ્રભાવિત થયા હતા. ગામજનોના જણાવ્યા મુજબ છારીમાં મુસ્લિમ જત, લુહાર, કુંભાર, સોની, જાડેજા, મહેશ્વરી (મેઘવાળ) વિ. જ્ઞાતિના સમૂહનો વસવાટ હતો. - તળપદા વ્યવસાયના ચિહ્નો : ગામમાં મુસ્લિમ કુંભારના અનેક પરિવારો માટીના વાસણ, રમકડાં, મકાનના દેશી નળિયા બનાવતા જેનો ગામની ઉત્તરે અલગ વાસ હતો. આજે પણ એ વિસ્તારમાં જ્યાં માટીના વાસણ પકવવાના નિભાડા હતા ત્યાં માટીના વાસણો અને રમકડાંના ટુકડાઓ જોવા મળ્યા હતા. નજીકમાં લુહાર?જ્ઞાતિના લોકો વસવાટ કરતા. તેઓ લોખંડ ગાળવાનો ધંધો કરતા ગામલોકો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આસપાસના પહાડોમાંથી એક ખાસ પ્રકારના ખડકોમાં લોખંડનો ભાગ હોવાથી ભઠ્ઠામાં ગાળી લોખંડ છૂટો કરતાં આજે પણ આ ગામે લોખંડ ગાળવાના ભઠ્ઠાની જગ્યાએ  કાળી જમીન અને કાળા રંગના પથ્થરોના ટુકડા જોવા મળે છે, જેને `કકોટા' તરીકે ઓળખે?છે. સોની લોકોના અનેક પરિવારો સોના-ચાંદીના ઘરેણાં બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમના દ્વારા નિર્માણ પામેલાં ઘરેણાંની નિકાસ દરિયાઇ માર્ગે સિંધ સુધી થતી હોવાનું જણાવ્યું હતું. - રાજાશાહી ઇતિહાસ : કહેવાય છે કે, રાજાશાહી વખતમાં છારીગામ જામ હમીરજીના કુંવર જામ સાયેબજીના તાબે હતું. સાયેબજીના વંશજ ઘોડેસવારીના શોખીન હોવાથી ઘોડાનો મોટો તબેલો હતો. તેના ચરિયાણ માટે દક્ષિણના સીમાડામાં રખાલનું નિર્માણ કરાયું હતું, જે ખડી રખાલ તરીકે ઓળખાતી. ત્યારબાદ તેના વંશજ કારૂભાએ ગામના પ્રવેશદ્વારે કલાત્મક ડેલી ઊભી કરી હતી. જે કારૂભાની ડેલી તરીકે જાણીતી હતી. તેના અવશેષો આજે પણ જોવા મળે છે. અહીંના જાડેજા પરિવારો પાછળથી નખત્રાણાના વિરાણી ગામે સ્થાયી થયા. હાલના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ તેમના વંશજ ગણાય છે. - પેટ્રોમેક્સનો પ્રકાશ : ગામના ગૃહઉદ્યોગ અને રોજગારીના કારોબાર માટે કચ્છરાજ દ્વારા નિમાયેલા દિવાનને સ્થાનિક લોકો `િમરઝા' તરીકે ઓળખતા. મિરઝાએ રહેણાંક માટે પાષાણ શિલ્પ-સ્થાપત્યથી કંડારેલી ભવ્ય મેડી ઊભી કરી હતી. જે મિરઝામેડી કહેવાતી. ગામલોકો કહે છે કે સદીઓ પૂર્વે એ મેડીમાં રાત્રિના ભાગે પેટ્રોમેક્ષ પ્રગટાવવામાં આવતી. તેનો પ્રકાશ ગામના અનેક ભાગમાં થતો. ઊંચા ટેકરા પર મેડીમાં જલતી પેટ્રોમેક્ષનો પ્રકાશ ખાવડા સુધી દેખાતો. અનુ.જાતિના મહેશ્વરી (મેઘવાળ) પરિવારો ચર્મ અને વણાટકલા સાથે સંકળાયેલા હતા. તેમના કુળદેવી ચામુંડા માતાજી મંદિરના અવશેષો આજે પણ મોજુદ છે. પાછળથી તેઓ જતાવીરા, વિરાણી, અરલ બાજુ સ્થિર થયા હોવાનું જાણવા મળ્યું હતું. ગામની ઉત્તરે નીકળતી એક નદી પશ્ચિમ-દક્ષિણના મથલ આસપાસના પહાડી પ્રદેશોમાંથી વહીને સમુદ્રમાં સમાતી. આજે પણ છારી નદી મોજૂદ છે. સારા ચોમાસામાં મથલ ડેમ છલકાય ત્યારે તે નદી રણમાં સમાય છે. - વિશિષ્ટ સભ્ય સંસ્કૃતિ : સદીઓ પૂર્વે છારી ગામ સમુદ્ર કાંઠે વિશિષ્ટ સભ્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલું હતું. કાંઠાળ સંસ્કૃતિની વિરાસત ધરાવતાં આ ગામનો વસવાટ, મકાનોની બાંધણી, ગામલોકોની રહેણીકરણી, ધંધા-રોજગાર, સાંસ્કૃતિક વારસો, વૈવિધ્યસભર હોવાના અનુમાન બાદ ગોવાથી આવેલા સંશોધકોએ મોટા પ્રમાણમાં જૂના માટીના અવશેષો, પથ્થરોના, માટીના નમૂના, મકાનોના ખંડેરો, સ્મશાન, નદી, મકાનોના પાયા, અર્ધ જર્જરિત મસ્જિદ સહિતના  ફોટો એકત્ર કર્યા હતા. - જરૂર પડે તો ઉત્ખનન : કચ્છમિત્ર સાથેની વાતચીત દરમ્યાન ડો. અનિરુદ્ધસિંહ ગૌરે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાની સદીઓ જૂની સંસ્કૃતિના સંશોધન હેતુ હાલના રણકાંઠા વિસ્તારના અનેક જૂના ગામોની મુલાકાત લીધી હતી, પરંતુ જૂના છારી ગામની જાહોજલાલી વિશિષ્ટ જણાઈ હતી. એકત્ર કરેલા નમૂના પરથી અંદાજ કરી શકાય કે 1000થી 1200 વર્ષ પહેલાં છારી ગામ નૌકાવિહારનું મોટું બંદરગાહ તો ખરું, સાથે પ્રાચીન સિંધુ અને સમુદ્રતટીય સંસ્કૃતિની મોટી વિરાસત હોવાનું અનુમાન કરાયું હતું. વિવિધ પરિક્ષણો બાદ આ ગામે વધુ સંશોધનોની જરૂર જણાશે તો કેન્દ્ર સરકારના સહયોગથી અહીં ઉત્ખનન પણ કરી શકાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd