ભુજ / ગાંધીધામ, તા. 5 : નખત્રાણા તાલુકાના નિરોણા ડેમની કેનાલમાં
ગઇકાલે રાતે 35 વર્ષીય ખેડૂત મહેબૂબશા મામદશા સૈયદનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
અંજારની મકલેશ્વર ચોકડીના બીજા પુલની બાજુમાં બાવળની ઝાડીમાં 25થી 30 વર્ષના અજાણ્યા
યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. બીજીબાજુ રાપરના બામણસર નજીક
50 વર્ષીય અજાણ્યા આધેડની કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી. નિરોણા પોલીસ મથકે આજે મૃતક
મહેબૂબશાના મામા અકબરશા હાસમ મોગલે જાહેર કરેલી વિગતો મુજબ તેમના ભત્રીજા મહેબૂબશા
સૈયદ ગઇકાલે રાતે નિરોણા ડેમની કેનાલમાં ખેતી સંબંધિત પાણી વાળવા ગયા હતા જ્યાં તે
કેનાલના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા. નખત્રાણાની સરકારી હોસ્પિટલે મહેબૂબશાને
સત્તાવાર મૃત ઘોષિત કરી પોસ્ટમોર્ટમ કર્યું હતું. નિરોણા પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે. મકલેશ્વર ચોકડીના બીજા પુલની બાજુમાં બાવળની ઝાડીમાં
ગઇકાલે બપોરે આપઘાતનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કોઇ વૃક્ષમાં 25થી 30 વર્ષીય અજાણ્યા
યુવાને બેનર વડે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ યુવાન કોણ છે અને તેણે
કેવા કારણોસર આપઘાત કર્યો હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ?ધરી છે. બીજી બાજુ
બામણસર એકતા હોટેલ સામે ધોરીમાર્ગ નજીક અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીંથી અજાણ્યા
50 વર્ષીય આધેડની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આધેડનું મોત કેવી રીતે થયું અને
તે કોણ છે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.