નવી દિલ્હી, તા. 5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજધાનીને
12 હજાર 200 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ કામોની સેગાદ આપી હતી. સાથો સાથ તેમણે આમ આદમી
પાર્ટી સરકાર તેમજ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, `આપ-દા'વાળાઓએ દિલ્હીનાં 10 વર્ષ બરબાદ કર્યાં,
હવે કમળ ખિલશે. વડાપ્રધાને દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોનાં એલાન પહેલાં રવિવારે
રોહિણીના જાપાની પાર્કમાંથી ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું.
આ રૂટ 4600 કરોડના ખર્ચે બન્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજા સમારોહને સંબોધન કરતાં
35 મિનિટ જેટલાં ભાષણમાં મોદીએ આપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વિતેલા એક દાયકામાં
દિલ્હીએ જે સરકાર જોઇ છે, તે કોઇ આપદાથી ઓછી નથી. આ અહેસાસ દિલ્હીવાસીઓને થઇ ચૂકયો
છે. મને ખુશી છે કે, દિલ્હીનો વિકાસ પર, ભાજપ પર ભરોસો છે. એ ભાજપ જ છે, જે દિલ્હીનો
વિકાસ કરી શકે છે, તેવું મોદી બોલ્યા હતા. આપદા સરકારની નીયત અને નિષ્ઠા પર સવાલ છે.
શરાબકાંડ, સ્કૂલ ગોટાળા, ગરીબોના ઇલાજનાં નામે જનતાના પૈસા લૂંટયા, પ્રદૂષણ સામે લડાઇઓ
નામે કરોડોના ખેલ કર્યા, તેવા પ્રહારો વડાપ્રધાને કર્યા હતા.