દેશભરમાં હલકી ગુણવત્તાવાળી દવાઓ વિરુદ્ધ ચાલી રહેલાં અભિયાન
અંતર્ગત નવેમ્બરમાં દવાઓનાં 111 સેમ્પલ ગુણવત્તાના માપદંડો પર ખરાં નહોતાં ઊતર્યાં.
આ ઉપરાંત તપાસમાં દવાઓનાં બે સેમ્પલ નકલી નીકળ્યાં છે. નકલી દવાઓનાં સેમ્પલમાંથી એક
ગાઝિયાબાદ અને બીજું બિહારથી મળ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઓછી ગુણવત્તાવાળી
અને નકલી દવાઓના કેસમાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. ગાઝિયાબાદ અને બિહારમાં જે
બે દવાનાં સેમ્પલો નકલી જણાયાં છે, તેને કોઈ અજાણી કંપનીએ મોટી કંપનીનાં નામ વાપરીને
બનાવી હતી. બનાવનારી કંપનીની શોધ ચાલી રહી છે. નકલી દવાઓના કેસમાં ઓછામાં ઓછાં 10 વર્ષથી
વધુમાં વધુ જન્મટીપની સજાની જોગવાઈ છે. નકલી કે ઓછી ગુણવત્તાવાળી દવાઓ બનાવવી, તેને
વેચવી અથવા તેનું વિતરણ કરવાના કેસમાં સજા થવાનું પ્રમાણ ખૂબ ઓછું છે, જે ભારે ચિંતાજનક
છે. 2015-16 અને 2018-19માં 2,30,000 દવાનાં સેમ્પલોની ડ્રગ સ્ટ્રોલર્સ દ્વારા ચકાસણી
કરવામાં આવી હતી. 593 નકલી અને 9266 ઓછી ગુણવત્તાવાળાં જણાયાં હતાં. આ બધા કેસમાં ફક્ત
35ને સજા થઈ હતી એટલે કે, સજાનું પ્રમાણ 5.9 ટકા જ રહ્યું હતું. બાકીના કેસ હજી કોર્ટોમાં
પેન્ડિંગ છે. નકલી કે ઓછી ગુણવત્તાવાળી દવાઓમાં તો ઘણીવાર દર્દીઓના જીવ ગયાના કેસ બન્યા
છે. અનેક કેસમાં દર્દીઓએ આવી દવાઓનાં કારણે લાંબી યાતના પણ ભોગવી છે, જેને લઈ ગરીબ
અને મધ્યમ વર્ગના કુટુંબીઓ માટે માંદગીનાં બિછાનાવાળી વ્યક્તિની તબિયતની કાળજી લેવી
એક મોટો ચિંતાનો વિષય છે. સરકારી તંત્ર આવી દવાઓ બનાવનારા, વેચનારાઓ વિરુદ્ધ ફુલપ્રૂફ
કેસ કેમ નથી બનાવી શકતા જેને લઈ મોટા ભાગના કેસમાં સજા થાય. સ્વાસ્થ્ય વિભાગે જો આવી
દવાઓની તપાસમાં ત્રુટિ હોય અથવા તો ફરિયાદ પક્ષ કોર્ટમાં અસરકારક પક્ષ રજૂ કરવામાં
નિષ્ફળ જતો હોય, તો તેનાં ઊંડાણમાં જઈ લોકોની જિંદગી સાથે રમત રમતાં આવાં તત્ત્વોને
સબક-રૂપ બને એવી સજા થાય તે માટે પગલાં લેવાં ઘટે. કેટલીક જીવનરક્ષક દવાઓ પણ નકલી જણાઈ
છે. સરકારી લાયસન્સ મેળવ્યા પછી કંપનીઓ ઓછી ગુણવત્તાવાળી દવાઓ બનાવે તે ચલાવી શકાય
નહીં, પણ આવું થઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે, દવા બનાવનારી કંપનીઓ પર ઉચિત રીતે
નજર નથી રાખવામાં આવતી, જેના દ્વારા બનાવાતી દવાઓની ગુણવત્તાનું પરીક્ષણ નિયમ, કાયદાને
અનુરૂપ નથી થઈ રહ્યું. ભારતની દુનિયામાં ફાર્મસી તરીકે ઓળખ છે, ત્યારે એ ગંભીરપણે જોવાનું
રહેશે કે, નકલી અને ઓછી ગુણવત્તાવાળી દવાઓ બનવાનું અને વેચવાનું બંધ થાય. નકલી અને
ઓછી ગુણવત્તાવાળી દવા બનાવનારાઓ વિરુદ્ધ થતાં અભિયાનને વેગ આપવાની તાતી આવશ્યકતા છે,
જેથી આમ નહીં થાય તો લોકોનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઊઠી જવાનો ભારોભાર ભય રહેલો
છે.