ગાંધીધામ, તા. 5 : કંપનીના એચ.આર. મેનેજર હોવાનું જણાવી અહીંના
ટ્રાન્સપોર્ટર પાસેથી 47 ગાડી ભાડે લઇ બાદમાં રૂા. 11,68,545નું ચૂકવણું ન કરતાં એક
શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરનાં સુભાષનગરમાં રહેનાર ફરિયાદી કિરીટ
કરશન ઠક્કર તથા તેમના ભાઇ શહેરના મણિ કોમ્પ્લેક્સમાં
એશિયન લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. ગત તા. 22-11ના રાજુભાઇ પટેલે ફરિયાદીના
ભાઇ ઘનશ્યામ ઠક્કરને એક નંબર મોકલી તેને ગાડી ભાડે જોઇતી હોવાનું જણાવ્યું હતું. અંગત
નામના આ અજાણ્યા શખ્સે પોતે વિક્ટોરિયા સિરાટેક પ્રા. લિમિટેડમાં એચ.આર. મેનેજર હોવાનું
કહી જી.એસ.ટી. પ્રમાણપત્ર પણ મોકલાવ્યું હતું. ફરિયાદી તથા તેમના ભાઇને વિશ્વાસ આવ્યા
બાદ ઠગબાજ અંગતે મુંદરાથી મોરબી ખાતે 47 ગાડી મોકલી આપવા અને અઠવાડિયામાં ચૂકવણું કરી
આપવાની વાત કરી હતી. ફરિયાદીના ભાઇએ બાદમાં ચૂકવણું માગતાં આ શખ્સે વાયદા કર્યા હતા,
બાદમાં વિક્ટોરિયા સિરાટેક કંપનીમાં તપાસ કરાતાં આવો કોઇ માણસ આ કંપનીમાં કામ કરતો
ન હોવાનું તથા કંપનીને કોઇ લેવા-દેવા ન હોવાનું બહાર આવ્યું હતું. ટ્રાન્સપોર્ટરે રૂા.
11,68,545ની છેતરાપિંડી, વિશ્વાસઘાત અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આગળની કાર્યવાહી
પોલીસે હાથ ધરી છે.