અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 5 : બાળકોમાં વ્યવસાય કૌશલ્યો કેળવાય તે માટે તેમને મંચ પૂરો
પાડવાના હેતુથી સતત બીજા વર્ષે કચ્છ યુવક સંઘ દ્વારા દાદર ખાતે બાળકો માટે ભવિષ્યના
સાહસિકોને પાંખ આપવી તેવી ટેગલાઈન સાથે `ઉડાન' આનંદ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સંપૂર્ણ સંચાલન
6થી 15 વર્ષના બાળકોએ કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક દમયંતીબેન દેવજી સંગોઈ
રહ્યા હતા, જેમાં 175થી પણ વધુ બાળકોએ 84 સ્ટોલ લગાવ્યા હતા. આ મેળામાં રમતો, ખાદ્યપદાર્થો,
હાથ બનાવટની વસ્તુઓ, ગૃહનિર્મિત સામાન અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે, જેમાં રૂા.
10થી 100 સુધીની કિંમત હોવા છતાં સારી ગુણવત્તાના ઉત્પાદનો હતા. મેળા અંગે પ્રેસિડેન્ટ
રાહુલ દેઢિયાએ જણાવ્યું હતું કે, બાળકોમાં સાહસિકતા વિકસાવવાની ખૂબ જરૂર છે. આ મેળામાં
બાળકોને વ્યવસાયનું સંચાલન, ઉત્પાદનોનું વેચાણ અને ગ્રાહકો સાથે કઈ રીતે સંપર્ક કરી
શકે તેનો નાનો, પરંતુ નોંધપાત્ર અનુભવ થયો છે. હાલના સમયમાં ઘણા લોકો નોકરી પસંદ કરે
છે, ત્યારે આ કાર્યક્રમ દ્વારા અમારો હેતુ વ્યાપારની માનસિકતાને પ્રોત્સાહન આપવાનો
છે તેવું મેનેજિંગ ટ્રસ્ટી હેમંત કરાણીએ જણાવ્યું હતું. બાળકોના ઉત્સાહમાં વધારો કરવા
આ મેળામાં આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં 22 સુવર્ણ જીતનારી 12 વર્ષની બાળકી નિવા
સેજલ વિશાલ ગડાને મુખ્ય મહેમાન તરીકે બોલાવાઈ હતી. આનંદ મેળામાં બાળકોમાં સર્જનાત્મકતા
અને ઉત્સાહ જોવા મળ્યો હતો. જેથી આવો અનુભવ બાળકોને ભવિષ્યમાં ફાયદો અપાવશે તેવું કચ્છી
સમુદાયનું માનવું છે. 1986માં કચ્છ યુવક સંઘની સ્થાપના થઈ ત્યારથી જ કચ્છી સમુદાય માટે
રક્તદાન, અંગદાન અભિયાન, ઈન્ડોર-આઉટડોર સ્પોર્ટસ ઈવેન્ટસ, દાંડિયા અને નાટક જેવી ઘણી
પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. કાર્યક્રમની સફળતાને ધ્યાને રાખી આયોજકોએ ભવિષ્યમાં
350થી વધુ સ્ટોલની વ્યવસ્થા સાથે મેળાનું આયોજન કરવાની ખાતરી આપી હતી. 4500થી વધુ લોકો
આ મેળામાં સહભાગી થયા હતા. અનિલ ગોવિંદજી ગંગરના સહયોગે ભેટ અપાઈ હતી, તો સ્નેહા સાવિયા,
શીતલ ગાલા અને ચિરાગ સંગોલ મુખ્ય કન્વીનર રહ્યા હતા.