ભુજ, તા. 5 : સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનો મહિમા છે.
ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ
પરંપરાગત ઢબે શ્રદ્ધાભેર યોજાયો હતો. ભુજ મંદિરના કાર્યવાહક વહીવટી સંત દેવપ્રકાશદાસજીએ
માહિતી આપતાં જણાવ્યું હતું કે, શાકોત્સવનો પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી,
ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજી, પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ સંતો અને યજમાનોના હસ્તે થયો
હતો. ધનુર્માસ ચાલતો હોવાથી વહેલી સવારથી રોટલા બનાવવાની સેવા અર્થે ભુજ તેમજ ચોવીસીના
ભક્તો જોડાયા હતા. આ શાકોત્સવમાં સંતો તથા સાં.યો. બહેનોના પ્રસાદ યજમાન તરીકે મહંત
સાંખ્યયોગી સામબાઇ ફઇએ સેવા કરી હતી જ્યારે અન્ય યજમાનોમાં ભુજ મંદિરના ટ્રસ્ટી શશિકાંત
જી. ઠક્કર, વાલજી રવજી કેરાઇ, કચ્છ નરનારાયણદેવ યુવક-યુવતી મંડળ -ભુજ, નીપા જે. ઠક્કર,
જય ઠક્કર, હેમેન ઠક્કર, સુરેશ મણિલાલ ઠક્કર સાથે અન્ય હરિભક્તોએ સેવા આપી હતી. શાકોત્સવનો મહિમા વ્યાસપીઠ પરથી શાત્રી સ્વામી પરમહંસદાસજીએ
કથા સ્વરૂપે સમજાવ્યો હતો. આ વેળાએ અંજાર, માંડવી વિગેરે પ્રસાદી મંદિર તથા ગામોથી
સંતો તેમજ ગુજરાત રાજ્ય વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા નીમાબેન આચાર્ય, કચ્છ યુનિવર્સિટીના
કુલસચિવ ડો. અનિલ ગોર, મંદિરના મુખ્ય કોઠારી મૂરજી શિયાણી, પ્રવીણ પિંડોરિયા, આંતરરાષ્ટ્રીય
હિન્દુ પરિષદના શશિકાંત પટેલ વિગેરે જોડાયા હતા. મંદિરના સંત કોઠારી નારાયણમુનિદાસજી,
શાંતિસ્વરૂપદાસજી વિગેરે સંતોના માર્ગદર્શન હેઠળ 1500 કિલો રીંગણાનું શાક, કચ્છી રોટલા,
અડદિયા સાથે સાત હજાર હરિભક્તોને પીરસવાની સેવા કચ્છ નરનારાય દેવ યુવક-યુવતી મંડળે
કરી હતી.