નવી દિલ્હી, તા. 5 : યુનાઇટેડ લીગ ઓફ અરાકાન (યુએલએ) અને તેની
લશ્કરી બ્રાન્ચ અરાકાન આર્મી સ્વતંત્રતા મેળવવાના અસંભવ મનાતા લક્ષ્યને પાર કરવાની
નજીક પહોંચી ગયા છે. અરાકાન આર્મીનું લક્ષ્ય એક સ્વતંત્ર દેશ બનાવવાનું પણ છે. તેણે
મ્યાંમાર યુનિયનના રખાઈન રાજ્યનાં 18માંથી 15 શહેર ઉપર કબજો પણ કરી લીધો છે. જો કે
ત્રણ મહત્ત્વનાં સ્થાન હજી પણ મ્યાંમારની સૈન્ય સત્તાના હાથમાં છે. આ સ્થાન બંગાળની
ખાડીનું સિત્તેવ બંદર, ચીનની મદદથી બનેલું ક્યાઉકફયૂ પોર્ટ અને મુખાનાંગ શહેર છે. 2024ના અંતિમ દિવસે અરાકાન આર્મીએ ગ્વા
શહેરને પોતાના કબજામાં લઈ લીધું હતું. ગ્વા શહેરમાં પશ્ચિમી મિલિટ્રીના ક્ષેત્રી કમાન્ડનું
હેડક્વાર્ટર પણ હતું. આ જ સ્થાનને અરાકાન આર્મીએ કબજામાં લઈ લેતા એક મોટી જીત ગણવામાં
આવે છે. વધુમાં અરાકાને માઉંગડો નગરને પણ સેનાના હાથમાં છિનવી લેતા બાંગલાદેશ સાથેની
આખી બોર્ડર ઉપર કબજો કરી લીધો હતો. જો વિદ્રોહી જૂથ સમગ્ર રખાઈન પ્રાંત ઉપર કબજો કરવામાં સફળ થશે
તો 1971માં બાંગલાદેશના જન્મ બાદ એશિયામાં પહેલું સફળ અલગતાવાદી સૈન્ય અભિયાન બનશે.
જેનાં ફળ સ્વરૂપે ભારતના પડોશમાં એક નવા દેશનો જન્મ થઈ શકે છે. વધુમાં અરાકાન આર્મીએ
એક નિવેદનમાં વિદેશી રાષ્ટ્રોને ભરોસામાં લેવાની પણ કોશિશ કરી હતી.