માંડવી, તા. 5 : ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં લક્ષ્મીચંદભાઇ કારૂભાઇ
નાગડાની સ્મૃતિમાં આયોજિત 34મા નવનીત મેગા મેડિકલ કેમ્પનો પૂર્ણાહુતિ સમારંભ પદ્મશ્રી
અને જમનાલાલ બજાજ એવોર્ડ વિજેતા સુધાબેન વર્ગીસના અતિથિવિશેષ પદે અને નવનીત પરિવારના
સુનીલભાઇ ગાલા તથા લીલાધરભાઇ ગડા (અધા)ના મંચસ્થસ્થાને યોજાયો હતો. આ તકે ભોજાય સર્વોદય
ટ્રસ્ટે આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તારની જાહેરાત કરાઇ હતી. માનસ મંદિરના દિવ્યાંગ બાળકોએ પોતે તૈયાર કરેલ મોમેન્ટોથી પદ્મશ્રી સુધાબેનનું
વિશિષ્ટ સન્માન કર્યું હતું. સુધાબેને ભોજાયની હોસ્પિટલની મુલાકાત અને કામગીરીની પ્રશંસા
કરતાં જણાવેલ કે ડાયાલિસીસ, આંખની તપાસ, મહિલાઓ માટેની અનેક કામગીરી અહીં થાય છે. માનસ
મંદિરની કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા હતા, બીમારી અલગ વાત છે અને અહીં સારવાર માટે આવવાથી
રાહત મળે તે ખૂબ મોટી વાત હોવાનું જણાવેલું. અહીંનું કામ જોઇને મને એમ ચોક્કસ થયું કે, મહિલાઓના સ્વાસ્થ્ય માટે ઝડપથી
કામ શરૂ કરીશ. મહિલાઓની હિંમત અને માનસિક સ્વાસ્થ્યના કાઉન્સેલિંગ માટે અહીં આવવાથી
વધારે મજબૂત બની ગયાનું જણાવ્યું હતું. મહિલાઓ સાથે હિંસા ક્યારેય સહન નહીં કરાયના
સૂત્રને ચરિતાર્થ કરી મારું જીવન સાર્થક બની ગયાનો આનંદ વ્યકત કર્યો હતો. નવનીત પરિવારના
સુનીલભાઇ ગાલાએ માનસ મંદિરની પ્રવૃત્તિને બિરદાવતાં ભોજાયમાં `અધા' દરેકના દુ:ખને સમજે છે. નિરાકરણ લાવે
છે. અમારો પરિવાર વર્ષોથી ભોજાય સાથે જોડાયેલો છે અને સતત જોડાયેલા રહેવાની ખાતરી ઉચ્ચારી હતી. લીલાધરભાઇ ગડા `અધા'એ 34મા કેમ્પમાં 3000 દર્દીઓની સારવાર
તથા 317 દર્દીઓના વિવિધ વિભાગોમાં ઓપરેશન થયાનું જણાવી સમાપનના દિવસે 2025ના નવા વર્ષથી
દર બુધ અને ગુરુવારે ભોજાયમાં મોતિયાનાં ઓપરેશન ફ્રીમાં થશે તેવી જાહેરાત કરી હતી.
પશ્ચિમ કચ્છના માંડવી, કોઠારા, નખત્રાણા અને
લખપતમાં દર મહિનામાં 1 દિવસ આંખનો નિ:શુલ્ક કેમ્પ રાખવાની પણ જાહેરાત કરી હતી. ડાયાલિસીસ
સેન્ટરમાં સાત મશીનો કાર્યરત છે, દર ત્રીજા મહિને ફિસ્ચ્યુલાની સર્જરી નિ:શુલ્ક કરી
અપાશે. મહિલાઓ માટે કેન્સર અંગેની તપાસ દર મહિને ડો. ઇલાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવશે
જેનો લાભ 25થી 45 વર્ષની બહેનો લઇ સમયસરની તપાસથી મોટી બીમારીમાંથી બચી શકશે. બાળ મોતિયાના
હવે કેમ્પ નહીં પરંતુ ભોજાયમાં આવીને ઓપરેશન કરાવવા કહ્યું હતું. કાર્યક્રમમાં શરદભાઇ
રાંભિયા, ભરતભાઇ, ભાવનાબેન, પ્રીતિબેન ગાલા, કિરણભાઇ સંઘવી, વી. કે. સોલંકી, વાડીલાલભાઇ
દોશી, દિનેશભાઇ એમ. શાહ, હીરજીભાઇ, મોહનભાઇ, ભાઇલાલભાઇ, દલપતભાઇ, લાલજીભાઇ મેવાડા,
ગોરધનભાઇ પટેલ `કવિ', અર્ચના
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સિસ્ટરો તેમજ વિવિધ ગામોમાંથી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.