માંડવી, તા. 5 : ગુજરાત
મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 15મા નાણાપંચ યોજના હેઠળ અહીંની નગરપાલિકાને રૂા.
1.59 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવતાં આ ગ્રાંટમાંથી રૂપિયા 33,46,000ના ખર્ચે
માંડવી નગરપાલિકા દ્વારા શહેરમાં ઘનકચરાના નિકાલ અને વ્યવસ્થાપનન માટે 7 ટ્રેક્ટર-ટ્રોલી
સાથે ખરીદી કરી શહેરીજનોની સુખાકારી માટે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે વાહનોની પૂજા
કરી અને લીલીઝંડી ફરકાવી લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં. ધારાસભ્ય શ્રી દવેએ જણાવ્યું
હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોની
સેવા માટે કટિબદ્ધ છે. શહેરને કચરામુક્ત બનાવવા તથા ઘનકચરાના નિકાલ અને વ્યવસ્થાપન
માટે 7 ટ્રેક્ટર-ટ્રોલી સાથે લોકાર્પણ કરવામાં આવ્યા છે. ઘનકચરાના નિકાલ અર્થે પ્રકાશ
પાડતાં જણાવ્યું હતું કે, જે જગ્યાએ સફાઇ કામદારો સફાઇ ઘનકચરો એકત્રિત કરે છે, તે જગ્યાએથી
કચરાનો ત્વરિત નિકાલ થાય તે માટે સંબંધિત વોર્ડમેને ખાસ ધ્યાન રાખવું જોઇએ અને 7 ટ્રેક્ટર
ડ્રાઇવરોએ ટ્રેક્ટર ભર્યા પછી જે જગ્યાએથી કચરો ઊપાડવામાં આવે છે, તે જગ્યાએ ડમ્પિંગ
સ્ટેશન સુધી રસ્તા પર કચરો વેડફાય નહીં તે માટે ટ્રેક્ટર પર સુવ્યવસ્થિત તાડપત્રી બાંધવા
પર ભાર મૂક્યો હતો. નગરપાલિકાના અધ્યક્ષ હરેશ વિંઝોડા, ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી,
કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, સેનિટેશન વિભાગના ચેરમેન પીયૂષ ગોહિલ, લાંતિક શાહ, હનીફ
જત, પારસ માલમ, લક્ષ્મીબેન વાડા, વિજય ચૌહાણ, પારસ સંઘવી, મિતેષ મહેતા, મુકેશ ભાનુશાલી,
પ્રિયાબેન જાની, કિશનસિંહ જાડેજા, દર્શન ગોસ્વામી, શંકર જુવડ, મુખ્ય અધિકારી જિજ્ઞેશ
બારોટ, ઇન્ચાર્જ હેડકલાર્ક માનજી પરમાર, સેનિટેશન ઇન્સ્પેક્ટર મુકેશ પુરબિયા, ભૂપેન્દ્ર
સલાટ સહિતના શહેરીજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.