• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

દિવ્યાંગોનો ડંકો : 27 ચંદ્રક કબ્જે કર્યા

પેરિસ તા.7: દિવ્યાંગ ખેલાડીઓના દમદાર દેખાવથી પેરિસ પેરાલિમ્પિકમાં ભારત સતત શાનદાર દેખાવ કરી રહ્યંy છે. રમતોત્સવના આજે 10મા દિવસે ભારત મેડલ ટેલીમાં 18મા ક્રમે છે. પેરાલિમ્પિક ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને ભારત 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ મળી કુલ 27 મેડલથી ઝોળી છલકાવી ચૂકયું છે. ગઇકાલે મોડી રાત્રે નાગાલેન્ડના ખેલાડી હોકાટો હોતોજે સેમાએ ભારતને વધુ એક કાંસ્ય ચંદ્રકની ભેટ ધરી હતી. તેણે પુરુષોની શોટ પૂટ (ગોળા ફેંક)ની એફ-પ7 સ્પર્ધામાં 14.6પ મીટરના થ્રો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. સેમાએ ત્રીજા પ્રયાસમાં તેનો બેસ્ટ થ્રો કર્યો હતો. આ સ્પર્ધામાં ભારતના સોમન રાણાએ પણ ભાગ લીધો હતો. તે 14.07 મીટરના થ્રો સાથે પાંચમા સ્થાને રહ્યો હતો. ઇરાનના ખેલાડી યાસિન ખોસ્રાવી 1પ.96 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. તેણે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. બ્રાઝિલનો થિયાગો પૌલીનો દોસ સાંતોસ 1પ.06 મીટરના થ્રો સાથે રજત ચંદ્રકનો હકદાર બન્યો હતો. 40 વર્ષીય હોકાટો સેમા નાગાલેન્ડના દીમાપુર ગામનો છે. તે નાગાલેન્ડનો એકમાત્ર એથ્લેટ છે. નાગાલેન્ડ સરકારે બ્રોન્ઝ મેડલ જીતવા માટે તેના માટે દોઢ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પેરિસ પેરાલિમ્પિકનો આવતીકાલ રવિવારે આખરી દિવસ છે. ભારતીય સમય અનુસાર મોડી રાત્રે સમાપન સમારંભ યોજાશે. જેમાં ગોલ્ડ મેડલ વિજેતા તિરંદાજ ખેલાડી હરવિન્દર સિંઘ અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક બનશે. પેરિસ પેરાલિમ્પિકમાં ચીની સંપૂર્ણ દબદબા સાથે ચંદ્રકની બેવડી સદી નજીક પહોંચ્યું છે. તેના ખાતામાં હાલ 84 ગોલ્ડ, 6પ સિલ્વર, 4પ બ્રોન્ઝ મેડલ મળી કુલ 194 મેડલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang