• શુક્રવાર, 28 જૂન, 2024

પરિવારના લગ્નમાંય વતનની ચિંતા

ભુજ, તા. 22 : કોઇ પરિવારમાં લગ્ન હોય તો સ્વાભાવિકે પાર્ટી, સંગીત વગેરેનું આયોજન થતું હોય છે, પરંતુ દુબઇ?સ્થિત કચ્છી બિલ્ડરે પોતાના પુત્ર કૈવલ સાથે તુલસીના લગ્નપ્રસંગે ભાવિ પેઢીને કંઇક શીખવા મળે તેવો પ્રેરક નિર્ણય લઇને વતનમાં પર્યાવરણ જાળવવા-સુધારવાનો સંકલ્પ કર્યો છે. દુબઇ સ્થિત યોગેશભાઇ દોશીએ લગ્ન ઉજવવાની સાથે સૌ સાથે મળી કંઇક એવાં મંગળ કાર્યો આરંભીને આ ઉત્સવ મંગલકારી બનાવીએ એમ જણાવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગથી શું સ્થિતિ સર્જાઈ?છે એ જાણીએ છીએ. શુદ્ધ હવા, ઓક્સિજન, શુદ્ધ પાણી એ વગર જીવન અશક્ય છે. ગરમી-પાણીની અછતથી લાખો પશુ-પંખીઓ અને હજારો માનવીઓ દરવર્ષે મૃત્યુ પામે છે એ માટે આપણે સૌ ઓછા-વધુ અંશે જવાબદાર છીએ તો આપણે જ એવું કાર્ય કરી પર્યાવરણ સુધારી ન શકીએ ? શ્રી દોશીએ જણાવ્યું કે, અમારા બાળકો-પરિવાર કૈવલ-તુલસી, મિત્તલ, પર્લ, અશોકભાઇ, નીતાબેન, કરુણાબેન સૌ સાથે મળીને પર્યાવરણ માટે હંમેશાં ઉત્સુક રહે છે અને વતનપ્રેમ અને પર્યાવરણ પ્રેમ આવાં કાર્યો કરવા પ્રેરિત કરે છે. પુત્રના લગ્નપ્રસંગ નિમિત્તે એક લાખ વૃક્ષ ન માત્ર વાવવા પણ વાવેતર કર્યા બાદ ઉછેરવાની જવાબદારી લીધી છે. સ્કૂલના બાળકો, સંસ્થાઓ, સોસાયટીમાં ઉત્સાહથી  આ કામ થાય એવી ગોઠવણ કરી છે. યોગેશભાઇએ કહ્યું કે, જન્મદિવસ, લગ્નજયંતી, સગાઇ-લગ્ન દરેક પ્રકારના ખુશીના પ્રસંગોએ પરિવારોએ યથાશકિત 10થી 100, હજાર અથવા લાખોની સંખ્યામાં વૃક્ષો ઉગાડે તો જ ધરતી લીલી રહેશે અને જીવન ટકી રહેશે. તેમણે શાંતિનિકેતન ફાઉન્ડેશન તરફથી આ કાર્ય સંપન્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang