• શુક્રવાર, 28 જૂન, 2024

`ઈન્ટિગ્રેટેડ કેર' (સંકલિત સારવાર)થી દર્દીઓનું `કલ્યાણ'

ભુજ, તા. 22 : કેટલાક દર્દ એવા છે કે, જેમાં એલોપેથી દવા લેવાથી તુરત રાહત મળી જાય, પણ રોગ જડમૂળથી નાશ ન થાય. એ માટે તો આયુર્વેદ કે કુદરતી ઉપચાર કે યોગ, ફિઝિયોમાં જવું પડે ! તો કેટલાક રોગ એવા છે કે જેમાં દર્દી પાસે સમય જ નથી, અત્યાધુનિક એલોપેથી અને સુપર સ્પેશિયાલિટી પાસે જઇને તબીબી પરીક્ષણ કર્યા બાદ સારવાર કે શત્રક્રિયા જ કરવી પડે ! પણ, આ બધી સારવાર પદ્ધતિઓની સલાહ, માર્ગદર્શન જ નહીં, સારવાર એક જ સ્થાને મળે તો ? હા, કચ્છમાં જ નહીં, ગુજરાતમાં આવી પ્રથમ વખત સુવિધા ઊભી થઇ રહી છે. ભુજથી નજીક બળદિયાથી ઝુમખા તરફ વળતાં માર્ગ પર બળદિયાથી બે કિ.મી.ના અંતરે ચાર એકર સંકુલનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે અને એ પૂર્ણ થવામાં છે. આ એવું સારવાર કેન્દ્ર હશે જેમાં તમામ પ્રકારની સારવાર પદ્ધતિનો સમન્વય છે અને જેવું `િમશન' છે, જેવો ઉદ્દેશ છે એવું નામ છે `કલ્યાણ.' નવતર પ્રકારના સારવાર અને રિસર્ચ સેન્ટર વિશે કચ્છમિત્ર સાથે તેમના મુખ્ય તબીબ ડો. રાહુલ પ્રજાપતિ અને ડો. કિંજલ પ્રજાપતિએ વાત કરી હતી. `આવું સંકુલ ઊભું કરવાનો તમને કેમ વિચાર આવ્યો એવા એક પ્રશ્ન પર `બેચલર ઓફ નેચરોપેથી અને યોગ સાયન્સ' સાથે મનોવિજ્ઞાન વિષયમાં પણ ડિગ્રી ધરાવતા તબીબ ડો. પ્રજાપતિએ કહ્યું કે, કુદરતી ઉપચાર, યોગ દ્વારા સારવારમાં દાયકાથી વધુ સમય કામ કર્યું છે, પરંતુ સારવાર લેનારા દર્દીઓની તકલીફો જોઇને થયું કે, દરેક સારવાર પદ્ધતિની પોતાની સારી અને નબળી બાજુ હોય છે. કોઇ એક જ સારવાર પદ્ધતિથી દર્દીનું શ્રેષ્ઠતમ ભલું ન થઇ શકે, બધી પદ્ધતિઓના સંકલન અને સમન્વયથી દર્દીને રાહત આપી શકાશે. બસ, આ જ ઉદ્દેશ સાથે એક નવતર પ્રકારના સંકુલનો વિચાર આવ્યો કે, જેમાં તમામ પ્રકારના નિષ્ણાતો અને સુવિધાઓની હાજરી હોય અને જે દર્દીને જે પ્રકારની દવા, સારવાર કે પંચકર્મ, ભોજન કે યોગ-શારીરિક વ્યાયામની આવશ્યકતા હોય એ તમામ મળી રહે. `કલ્યાણ ઇન્ટિગ્રેટેડ કેર એન્ડ રિસર્ચ કેન્દ્ર' નામના આ કેન્દ્રમાં દર્દીનું `કલ્યાણ' કેમ વધુમાં વધુ સારી રીતે થાય એ જ મુખ્ય ઉદ્દેશ છે. `આ સંકુલ કેવી રીતે નિર્માણ થયું અને સારવાર ક્યારથી શરૂ થશે' તેવા પ્રશ્ન પર રાજસ્થાન આયુર્વેદ યુનિવર્સિટીમાંથી બીએનવાયએસ અને આણંદ સ્થિત એસ.પી. યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનની ડિગ્રી મેળવનારા ઇન્ટિગ્રેટેડ કેર પ્રેક્ટિસનર ડો. પ્રજાપતિ દંપતી કહે છે કે, આ વિચારને અનેક મિત્રો, શુભચિંતકોનો સહકાર મળ્યો છે. મારા દર્દીઓને સારવારના કાર્યકાળ દરમ્યાન મને એક  દર્દી મળ્યા. પણ હવે જેમને હું મા-બાપુનો દરજ્જો અને આદર કરું છું એ મારી સારવાર અને આવા નવતર વિચારથી પ્રભાવિત થયા અને સહકાર આપ્યો છે. આ પછી એગ્રોસેલ ગ્રુપના મોવડી દીપેશભાઇ શ્રોફ અને પ્રીતિબેન શ્રોફને પણ આ વિચાર ગમ્યો અને તેમણે નવાં નવાં સૂચનો સાથે સહકાર આપ્યો છે. આ ઉપરાંત સુમિટોમો કંપની અને એક્સેલ ગ્રુપ પણ આગોતરાં જ કોર્પોરેટ સભ્યપદથી પરિવારમાં જોડાઇ ગયા અને હા, ઈન્ટિગ્રેટેડ કેર પ્રેક્ટિસનર ડો. કિંજલ પ્રજાપતિ કે જે મને પળેપળ સાથ આપી રહ્યાં છે, જેના વિના આટલો વિચાર મૂર્તિમંત ન થાત. હવે આ વૈવિધ્યસભર પણ માનવતા-લાગણીને કેન્દ્રમાં રાખીને નિર્માણ થયેલા સંકુલનું કામ પૂર્ણતાને આરે છે અને આગામી તા. 30મી જૂનના રવિવારે લોકાર્પણ થઇ જશે. આ સંકુલમાં કઇ કઇ સારવાર પદ્ધતિઓનો સમન્વય છે અને બીજા કરતાં કઇ રીતે અલગ વિશિષ્ટતાઓ છે એવા સવાલ પર યુવા ડો. રાહુલ કહે છે કે, દર્દી અહીં અનુકૂળતા મુજબ 7, 10, 15 કે વધુ દિવસ રહી શકે છે. રહેવા અને સાત્ત્વિક ભોજનની તમામ સુવિધાઓ છે. આ દરમ્યાન, નિશ્ચિત દીનચર્યા રહેશે અને નેચરોપેથી, યોગા, આયુર્વેદ, પંચકર્મ, મનોચિકિત્સા, ફિઝિયોથેરાપી સાથે આજની આધુનિક એલોપેથીની પણ સારવાર ઉપલબ્ધ રહેશે. ઇમર્જન્સીના કેસમાં કોઇ દર્દીને મોટી હોસ્પિટલમાં ખસેડવા પડે તો ઝડપી પહોંચી જાય તેવી સુવિધા છે. બાકી, તમામ સારવાર પદ્ધતિઓના એક એક તબીબ સાથે સુપર સ્પેશિયાલિટી તબીબોની નિયમિત સંકુલ મુલાકાત પણ ગોઠવાયેલી જ હશે. અમારો ઉદ્દેશ માત્ર સારવાર જ નહીં, માંદગી ન આવવી અને તંદુરસ્તી કેમ જાળવી રાખવી એ પણ છે. સાથે ડાયાબિટીસ, બીપી, સ્થૂળતા, પેટ-ચામડી-એલર્જી, હૃદયરોગની બીમારીઓ જેવા જટિલ કિસ્સાઓમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ પણ આપીને સારવારનું સંકલન કરાશે. જ્યાં બીમારીમાંથી બહાર આવી ગયા હોય અને પુન: નવી ઊર્જા સંચાર કરવાની હોય ત્યાં `િફઝિકલ રિહેબિલિટેશન' સારવારની સુવિધાઓ પણ હશે. આ સિવાય માનસિક રોગના દર્દીઓની સારવાર પણ અહીં જોડવામાં આવી છે અને સૌથી વધુ નવી વાત એ છે કે, અહીં `પેલીએટિવ સારવાર'ની સુવિધાઓ પણ હશે. આ કચ્છમાં ક્યાંય નથી. આ સારવાર એટલે કે જેમનું દર્દ એવું છે કે જેની કોઇ સારવાર નથી અને મૃત્યુ નિશ્ચિત છે તો એ બાકીના સમયમાં કેમ તેમનું જીવન શ્રેષ્ઠ ગુણવત્તાવાળું પસાર થાય એ અમારો ઉદ્દેશ છે. આવા દર્દીને પણ અહીં સારવાર, રાહત અને બાકીનું જીવન કેમ આનંદમય પસાર થાય એ પ્રકારની સારવારની તૈયારી કરી છે. સમગ્રતયા, `ઈન્ટિગ્રેટેડ કેર' દ્વારા જીવનના કોઇપણ તબક્કે વધુમાં વધુ શ્રેષ્ઠ પ્રકારે દર્દીને કેમ સારવાર આપવી અને કેમ સ્વસ્થ કરવો એ જ અમારો ઉદ્દેશ છે, એ જ અમારું `િમશન સૂત્ર' છે.

આ છે લોકેશન

બળદિયા નજીક તમામ સારવાર પદ્ધતિઓનો સમન્વય સાધતાં કેન્દ્રનું સ્થાન આ ક્યુ.આર. કોડથી મળી જશે, જ્યારે આ વેબસાઇટનું એડ્રેસ અને સંપર્ક નંબર છે www.kicrc.com,  75670 77888.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang