• શુક્રવાર, 28 જૂન, 2024

કચ્છમાં ફેટી લિવરનું પ્રમાણ ચિંતાજનક

ગાંધીધામ, તા. 22 : દોડધામભરી જિંદગી, ખાનપાનમાં જંકફૂડનો વધુ પડતો ઉપયોગ, કસરત, ચાલવા સહિતની આરોગ્ય જાળણીનો અભાવ સહિતની પરિસ્થિતિના કારણે આજે સંપૂર્ણ સ્વસ્થ હોય તેવો કોઈ ભાગ્યે જ હશે. કોઈને કોઈ રોગ દરેક વ્યક્તિમાં જોવા મળશે અને ઘણાખરા કિસ્સામાં નાની ઉંમરે જ ગંભીર બીમારીમાં સપડાઈ જવાના બનાવો બની રહ્યા છે. કથડતા જતા આરોગ્યમાં એક છુપો રોગ છે તે છે ફેટી લિવર આજે દેશની સાથોસાથ કચ્છમાં પણ ફેટી લિવર વ્યાપક કેસ છે અને એક ગંભીર રોગચાળાની સ્થિતિ કહીએ તો પણ વધુ પડતું નથી. કચ્છમાં અત્યાર સુધી માત્ર ફેટી લિવર છે, તેટલો જ ખ્યાલ આવતો હતો, ત્યારે ગાંધીધામમાં તાજેતરમાં કાર્યરત થયેલી લીલા હોસ્પિટલમાં ફેટી લિવર અને તેનું પ્રમાણ અને અદ્યતન સારવાર  હવે કચ્છમાં જ ઉપલબ્ધ કરાવાઈ છે. મૂળ ગાંધીધામના જ રહેવાસી અને વિશ્વની ટોપ ત્રણ હોસ્પિટલમાં જેની ગણના થાય છે તે એસિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી  હૈદરાબાદમાં અભ્યાસ કરનારા ડો. સાગર ડેંબલાએ કચ્છના લોકોને સ્વસ્થ બનાવવા અને આ બીમારીમાંથી મુક્ત કરવાનું તેમનું ધ્યેય હોવાનું  કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં પાંઉભાજી, દાબેલી, નમકીન, આલ્કોહોલનું વ્યસન સહિતની બાબતોના કારણે ફેટી લિવરનું પ્રમાણ વધુ છે. 10 દર્દીની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરીએ તેમાંથી છ દર્દીને ફેટી લિવર હોવાનું જણાય છે. ફેટી લિવર એ એક છુપો દુશમન છે, પરંતુ તેનાથી ગભરાવવાની કે વારંવાર સોનોગ્રાફી કરાવવાની જરૂર નથી, જરૂર છે માત્ર ખાનપાનમાં બદલાવ, કસરત, ચાલવાનું સહિતની પ્રવૃત્તિ કરવાની. ફેટી લિવરના એકથી ત્રણ ગ્રેડ હોય છે. ગ્રેડ થ્રીમાં પણ કોઈ તકલીફ થતી નથી, પરંતુ  લિવર ઉપર ચરબીનું પ્રમાણ કેટલું છે, બીમારી કેટલી છે તે જાણવા માટે લિવર ફંકશન ટેસ્ટ એસ.જી.પી.ટી. અને ઈલાસ્ટોગ્રાફી, ફાઈબ્રોસ્કેન રિપોર્ટ કરાવવાથી ખ્યાલ આવે. ઈલાસ્ટોગ્રાફીથી ફાઈબ્રોસીસ કેટલું છે અને નુકસાન કેટલું છે તે ખ્યાલ આવે છે અને તેના આધારે સારવાર નક્કી કરી શકાય. આલ્કોહોલનું વધુ વ્યસન અને મોટાપા-વધુ પડતા વજન આ બે બાબત ફેટી લિવર માટે કારણભૂત હોવાનું ડો. ડેંબલાએ જણાવ્યું હતું. ઈલાસ્ટોગ્રાફીમાં ચાર ગ્રેડ નક્કી કરાયા છે. જો એફ-વનમાં નોર્મલ, એફ-ટુમાં મોડરેડ, એફ- થ્રીમાં સિવિયર અને ગ્રેડ-ફોરમાં સોરાયસીસ. આ ચાર તબક્કાના આધારે સારવાર નક્કી થાય છે. ફેટી લિવરથી ગભરાવવાની જરૂર નથી, દર્દી પોતે જ પોતાની દવા છે. નિયમિત કસરત કરવી, મસાલાવાળો, તળેલો ખોરાક ન ખાઓ તો લિવર સ્વસ્થ રહેશે. કોઈ પણ દવાઓ તબીબની સૂચના વિના ન લેવા તેમણે અપીલ કરી હતી. ગાંધીધામ - આદિપુરની  મધ્યમાં રોટરી સર્કલ ખાતે શરૂ થયેલી લીલા હોસ્પિટલમાં ફેટી લિવરની અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફાઈબ્રોસ્કેન ઈલાસ્ટોગ્રાફી, સોનોગ્રાફીના અદ્યતન મશીન જે  સારવાર અમદાવાદ કે રાજકોટ ખાતે થતી હતી તે ફેટી લિવરની સારવાર કચ્છમાં ઉપલબ્ધ કરાવાઈ હોવાનું જણાવ્યું હતું. રેડિયોલોજિસ્ટ ડે. અંકિતા ડેંબલાએ લિવરની સોનોગ્રાફીમાં વિશેષ અભ્યાસ કર્યો છે. તેમણે  દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં લિવર ઈમેઝિનની વિશેષ તાલીમ મેળવી છે. તેમની આ તાલીમ થકી ઈલાસ્ટોગ્રાફી, સોનોગ્રાફીમાં ફેટી લિવર અને નોર્મલ લિવરની સ્થિતિનો સ્પષ્ટ ચિતાર આવે છે. તેમણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી છે. ડો. સાગરે વધુમાં ઉમેર્યું હતું કે, લિવર એ શરીરનું પાવર હાઉસ છે. જે કંઈ પણ ખોરાક લઈએ છીએ તે તે શરીરમાં કયાં ઉપયોગમાં લેવો તે લિવર નક્કી કરે છે. ફેટી લિવરના કારણે બીપી, કોલેસ્ટેરોલ, કિડનીમાં નુકસાન, હાર્ટ એટેક, આંખનું વિઝન ઓછું થઈ જવું સહિતની બીમારીઓ થવાની શક્યતા રહેલી હોય છે. લિવરની બીમારીની હિસ્ટ્રી હોય તો પરિવારના દરેક સભ્યોએ નિયમિત લિવર, કિડની, કોલેસ્ટેરોલ સહિતની તપાસ કરાવવી જરૂરી હોવાનું તેમણે ઉમર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang