• શુક્રવાર, 28 જૂન, 2024

ભુજ એરપોર્ટ પર મુસાફરો સામે સેવા ટૂંકી

ભુજ, તા. 22 : કચ્છ હવે પ્રવાસન, ઔદ્યોગિક સહિત અનેક ક્ષેત્રે વિકસી રહ્યું છે. વળી કચ્છનો નાતો દેશના અન્ય રાજ્યો અને વિદેશ સાથે જોડાયેલો હોવાથી સ્વાભાવિક રીતે અહીં પ્રવાસીઓની સાથે માદરે વતન આવતા લોકોનું આવાગમન વધી રહ્યું છે. ભુજ વિમાની મથકે એર ઈન્ડિયાએ મુંબઈ માટેની વિમાની સેવા શરૂ કર્યા બાદ કંડલા એરપોર્ટ કરતાં પણ ભુજના વિમાની મથકેથી પ્રવાસીઓની અવરજવરમાં નોધંપાત્ર વૃદ્ધિ થઈ છે. મુસાફરોની ગતિવિધિ વધી હોવા છતાં નવી વિમાનીસેવા ફાળવવામાં હજુ પણ અન્યાય કરાતો હોવાનું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. ભુજના વિમાન મથકને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અપાય તેવી માંગ કચ્છ ગ્લોબલ ફેડરેશન સહિતના દ્વારા અનેક વખત કરવામાં આવી છે. કચ્છના સાંસદ પણ આ મુદ્દાને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં આ દરજ્જાની વાત તો દૂર રહી નવી વિમાની સેવા આપવામાં પણ શુન્યાવકાશ સમાન સ્થિતિ દેખાઈ રહી છે. ભુજ વિમાની મથકેથી માર્ચથી લઈ જૂનના અત્યાર સુધીના મળી કુલ સાડા ત્રણ માસના ગાળામાં 30,000થી વધુ પ્રવાસીઓનું આવાગમન થયું છે, જે અગાઉના સમયની તુલનાએ બમણાથી પણ વધુ છે. પ્રવાસન પર્વનો ધમધમાટ વિમાનીસેવાને ફળ્યા બાદ માર્ચમાં એર ઈન્ડિયાએ મુબંઈ માટેની નવી ફ્લાઈટ શરૂ કરીશ, જેમાં લંડનની પણ કનેક્ટિવિટી મળતાં ખાસ કરીને એનઆરઆઈ પ્રવાસીઓને રાહત થઈ હતી. હાલ ભુજથી અમદાવાદ અને મુંબઈને જોડતી ત્રણ ફ્લાઈટ ઉડાન ભરે છે. અમદાવાદની ફ્લાઈટને બેલગામનું જોડાણ પણ આપવામાં આવ્યું છે. અગાઉ ભુજ કરતાં કંડલા એરપોર્ટ પર વધુ મુસાફરોનું આવાગમન રહેતું, પણ છેલ્લા ત્રણ માસથી સ્થિતિ બદલાઈ છે. વિશ્વ વિરાસત ધોળાવીરામાં એરપોર્ટ બનાવવા માટેની ચાલતી તજવીજ વચ્ચે કેટલાક અંતરાયો આવી રહ્યા છે. ત્યારે ભુજ એરપોર્ટને વિકસાવાય તો ધોળાવીરા અને ધોરડો એમ બન્ને સ્થળે આવતા પ્રવાસીઓને મોટી રાહત થાય તેમ હોવા છતાં આ દિશા તરફ કોઈએ વિચાર કર્યો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang