• શનિવાર, 27 જુલાઈ, 2024

દયાપર કોલેજનો સ્ટાફ કચ્છ યુનિવર્સિટીમાં ફરજ પર

દયાપર (તા. લખપત), તા. 22 : છેવાડાના લખપત તાલુકામાં માંડ માંડ કોલેજ તો મળી, પણ સ્ટાફઘટનાં કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ભારી અસર થતી હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તાલુકાના મુખ્યમથક દયાપર ખાતે આવેલી મહારાવ શ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાંથી એક આસિ. પ્રોફેસરને એક મહિનાથી કચ્છ યુનિવર્સિટી ખાતે ફરજ પર મોકલી દેવાતાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ અધૂરો રહી જવાની ભીતિ છે. વધુમાં ચૂંટણીની જવાબદારીઓ પણ આપી દેવાતી હોય છે તેવી ફરિયાદો ઊઠી છે. હાલમાં પેપર ચેક માટે અહીંથી આસિ. પ્રોફેસરને ભુજ મોકલાવી દેવાયા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પરીક્ષાને 15 દિવસ બાકી છે ત્યારે મહત્ત્વનો અભ્યાસક્રમ ભણાવાતો નથી. વધુમાં 245 વિદ્યાર્થીઓ વચ્ચે કોલેજ સંકુલ નાનું પડે છે. હાલમાં કોલેજનું મકાન હોતાં ઉચ્ચતર વિજ્ઞાન પ્રવાહ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. વહીવટી રૂમમાં પણ બેન્ચીસ રાખી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. કોલેજના આચાર્ય ફિરોજ બેગ મિર્ઝાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, કોલેજ માટે જમીન મંજૂર થઇ, ખાતમુહૂર્ત પણ થયું જેમાં જંગલ ખાતાંએ અટકાવ કરતાં હાલમાં કોલેજ સંકુલનું બાંધકામ શરૂ કરી શકાયું નથી. જિલ્લા કલેક્ટર દ્વારા પાનેલી રોડ પર મોટા વિસ્તારમાં સંકુલ ઊભું કરવા ચર્ચા તથા સ્થળ નિરીક્ષણ કરાયું હતું, પરંતુ તે દયાપર ગામથી સાડા ત્રણ કિ.મી. દૂર હોવાથી વિદ્યાર્થિનીઓ માટે મુશ્કેલરૂપ બની શકે તેવી ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઇ પુન: દોલતપર રોડ અને દયાપર પોલીસ સ્ટેશન પાસે જમીનનો જંગલ ખાતા દ્વારા અટકાવ દૂર કરાય તેવી કાર્યવાહી હાથ?ધરાઇ?છે. પ્રક્રિયા લાંબી ચાલે તેવું પણ મનાઇ રહ્યું છે. આસિ. પ્રોફેસર કાયમી છે, બાકીના પ્રવાસી શિક્ષકો તરીકે માસ્ટર ડિગ્રીધારકોને લઇ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો કરાશે તેવું ડો. મિર્ઝાએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang