નવી દિલ્હી, તા. 12 : દિલ્હી હાઈકોર્ટના
પૂર્વ ન્યાયમૂર્તિ યશવંત વર્માને હટાવવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ
લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભા સાંસદોના હસ્તાક્ષર લેવાઈ રહ્યા છે. કેન્દ્રની
કવાયત પરથી સંકેત મળી રહ્યા છે કે, પ્રસ્તાવ લોકસભામાં લવાશે, આવા પ્રસ્તાવ માટે કમસેકમ
100 સાંસદના હસ્તાક્ષર જરૂરી છે. બીજી તરફ, આવો જ પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરાય તો 50 સાંસદના હસ્તાક્ષર અનિવાર્ય
છે. 21 જુલાઈથી શરૂ થતાં ચોમાસું સત્રમાં
જસ્ટિસ વર્મા સામે પ્રસ્તાવ લવાશે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુ પહેલાં જ આવી વાત
કરી ચૂક્યા છે. જસ્ટિસ યશવંત વર્મા અત્યારે અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ છે. રિજ્જુએ
સ્પષ્ટપણે કહી દીધું હતું કે, જસ્ટિસ
વર્માનો મામલો ભ્રષ્ટાચાર સંબંધિત છે અને તેમાં કોઈ રાજકીય દૃષ્ટિકોણની ભૂમિકા નથી.
સરકાર મહાભિયોગના પ્રસ્તાવ પર સહમતી સાધવા માટે વિપક્ષો સાથે પણ સંવાદ કરી રહી છે,
તેવું મોદી સરકારના સંસદીય કાર્યમંત્રીએ કહ્યું હતું.