વોશિંગ્ટન, તા. 12 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે હવે યુરોપિયન યુનિયન (ઈયુ) અને મેક્સિકો પર 30 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત
કરતો પત્ર મોકલી દીધો છે. ટ્રમ્પે એક તરફ મેક્સિકોને અમેરિકામાં ડ્રગ્સ તસ્કરી માટે
જવાબદાર ઠરાવ્યું છે, તો બીજી તરફ
ઈયુના કારણે વ્યાપારમાં અસંતુલનનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ કર્યો છે. ટ્રમ્પ
એક પછી એક દેશો પર આકરા ટેરિફનું એલાન કરી રહ્યા છે, ત્યારે ભારત
અને અમેરિકાની વ્યાપાર સમજૂતી પર સૌની નજર છે. મીડિયા અહેવાલો મુજબ આ સોદો લગભગ પૂર્ણ
થઈ ગયો છે અને ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે. ટ્રમ્પ ભારત પર 20 ટકાથી ઓછો ટેરિફ લગાવે તેવી
પૂરી સંભાવના છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ વ્યાપાર સમજૂતી અંતર્ગત ટ્રમ્પ ભારત પર શરૂઆતી
ટેરિફ 20 ટકાથી ઓછો રાખી શકે છે. આમ
તો વ્યાપાર સમજૂતીમાં ભારત માટે અમુક રાહતજનક બાબતો છે, પણ કૃષિ ક્ષેત્ર માટે વ્યાપાર મુદ્દે ભારતે
વિરોધ નોંધાવી દીધો છે. કૃષિ તેમજ ફાર્મા ક્ષેત્ર મુદ્દે મડાગાંઠ સર્જાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત
અને અમેરિકા વચ્ચે પહેલી ઓગસ્ટ પૂર્વે અંતિમ વ્યાપાર સમજૂતી જાહેર થઈ જશે. ઉલ્લેખનીય
છે કે, ટ્રમ્પે બ્રાઝિલ પર 50 ટકા, ઈરાક પર 30 ટકા, બાંગલાદેશ પર 35 ટકા, જાપાન-દક્ષિણ કોરિયા પર 35 ટકા ટેરિફ લગાવ્યો છે.