અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય
સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને આપવામાં આવતા મુસાફરી ભથ્થાને લઈ મોટો નિર્ણય કર્યો
છે. જેમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓનું મુસાફરી ભથ્થુ સરકારે રદ્દ કર્યું
છે. ત્યારે સરકાર દ્વારા કાયમી ભથ્થુ ચૂકવવાનો 2022 નો પરિપત્ર મહેસુલ વિભાગે રદ્દ કર્યો છે અને નવા નિયમોનું ચુસ્તપણે
પાલન કરવાનો આદેશ કર્યો છે. ખાસ કરીને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી
તેમજ મામલતદારની મુસાફરી ભથ્થુ રદ્દ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કર્યો છે. હવે પ્રાંત
અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ ઉપયોગ કરવો પડશે તેમજ મામલતદાર અને પ્રાંત અધિકારી
દ્વારા હવે લોગબુક અને તે માટેનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. સરકારી કામકાજ
અર્થે ફાળવેલ વાહનોમાં કાયમી ભથ્થુ ચુકવાતું હતું. જોકે આ કાયમી ભથ્થું ચૂકવવાનો 2022 નો પરિપત્ર મહેસુલ વિભાગે રદ
કરતા હવે વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની વાસ્તવિક કિંમત જોઈને દૈનિક ભથ્થુ અપાશે.
અર્થાત્ આ અધિકારીઓ દ્વારા જે મુસાફરી કરવામાં આવે તે માટે પેટ્રોલ કે ડીઝલનો ખરેખર
ખર્ચ ઉપરાંત લાગુ પડતા દરે દૈનિક ભથ્થાની ખર્ચ ચુકવવાનો રહેશે.