નવી દિલ્હી, તા. 20 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ શનિવારે આસામમાં રેલી દરમિયાન ઈન્ડિ ગઠબંધન ઉપર મોટો પ્રહાર કર્યો
હતો. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે,
દેશદ્રોહી એસઆઈઆરની આલોચના કરીને ઘૂસણખોરોને બચાવવાની કોશિશ કરી રહ્યા
છે. વડાપ્રધાનના કહેવા પ્રમાણે ચૂંટણી પંચે એસઆઈઆરની પ્રક્રિયા ઘૂસણખોરોને
ચૂંટણીની પ્રક્રિયામાંથી બહાર રાખી શકાય તે માટે શરૂ કરી છે પણ દેશદ્રોહી
ઘૂસણખોરોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી આસામમાં લોકપ્રિય ગોપીનાથ
બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલના ઉદ્ઘાટન માટે ગયા હતા. આ દરમિયાન
તેમણે રેલીને સંબોધિત કરતા અગાઉની કોંગ્રેસની સરકારોને નિશાને લેતા કહ્યું હતું કે,
રાજ્ય અને પૂર્વોત્તરનો વિકાસ ક્યારેય કોંગ્રેસની સરકારોની
પ્રાથમિકતાની યાદીમાં નહોતો. આસામને પૂર્વ પાકિસ્તાનનો ભાગ બનાવવાનો કારસો હતો.
પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર તેના શાસનકાળ દરમિયાન આસામ અને પૂર્વોત્તરની ઉપેક્ષા
કરવાનો આરોપ મૂક્યો હતો અને ભાર દઈને કહ્યું હતું કે, ભાજપની
સરકાર એવી ભુલોને સુધારી રહી છે જે કોંગ્રેસ દશકોથી પૂર્વોત્તરમાં કરતી આવી છે.
આસામ અને પૂર્વોત્તરનો વિકાસ ક્યારેય કોંગ્રેસના એજન્ડાનો હિસ્સો નહોતો. મોદીએ
કહ્યું હતું કે, કોંગ્રેસે એવા ઘૂસણખોરોને સંરક્ષણ આપ્યું
હતું જેણે જંગલો અને જમીનો ઉપર કબજો કરી લીધો હતો. જેનાથી આસામની ઓળખ અને સુરક્ષા
ઉપર જોખમ પેદા થયું હતું. આજે હિંમતાજીની
સરકાર મહેનતથી આસામના સંસાધનોને દેશ વિરોધી લોકોથી મુક્ત કરાવી રહી છે. અવૈધ
ઘૂસણખોરોને ઓળખીને તેનો દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, કોલકાતા એરપોર્ટ પરથી બંગાળની જનતાને વર્ચ્યુઅલી સંબોધનમાં મમતા બેનર્જીના
પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, બંગાળમાં કમિશનખોરીવાળી સરકાર છે. આસામ અને ઉત્તર-પૂર્વનો વિકાસ
કોંગ્રેસની સરકારોના એજન્ડામાં જ નહોતો. કોંગ્રેસે દાયકાઓ સુધી આ ક્ષેત્રની
ઉપેક્ષા કરી, તેવા પ્રહાર મોદીએ કર્યા હતા. વડાપ્રધાને
કહ્યું હતું કે, વર્ષો સુધી કોંગ્રેસે કરેલી ભૂલોને મોદી એક
પછી એક સુધારી રહ્યા છે. નરેન્દ્ર મોદી બંગાળના નાદિયાના તાહેરપુરમાં એક રેલી માટે
પહોંચ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર
ઊતરી શક્યું ન હતું, જેથી તેઓ કોલકાતા એરપોર્ટ પર પાછા ફર્યા
અને એરપોર્ટથી વર્ચ્યુઅલી રેલીને સંબોધન કર્યું હતું. તેમણે રેલી સ્થળ પર પહોંચી ન
શકવા બદલ લોકોની માફી માગી હતી. રેલીને સંબોધનમાં વડાપ્રધાને મહાન સાહિત્યકાર
બંકિમચંદ્ર ચેટરજીને શ્રદ્ધાંજલિ અર્પી અને કહ્યું કે, વંદે
માતરમ્ બ્રિટિશ શાસન સામેના સંઘર્ષનો મંત્ર હતો તેને રાષ્ટ્ર નિર્માણનો મંત્ર
બનાવવો જોઈએ. વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશના નાગરિકો
સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, જીએસટીએ
બંગાળ સહિત સમગ્ર દેશના લોકોને મોટી રાહત આપી છે અને દુર્ગાપૂજા અને અન્ય તહેવારો
દરમિયાન દેશભરના લોકોને તેનો ઘણો ફાયદો થયો છે. ગંગા બિહારમાંથી બંગાળ તરફ વહે છે
અને બિહારે બંગાળને રસ્તો બતાવ્યો છે. તેમણે કહ્યું કે, બંગાળને
જંગલરાજમાંથી મુક્ત કરાવવું જોઈએ અને તમામ ઉંમરના લોકો તેની માંગ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે, તેઓ બંગાળના લોકો માટે
પૂરાં દિલથી સમર્પિત છે અને રાજ્ય માટે ભંડોળ અને નીતિઓની કોઈ અછત નથી. રાજ્ય
સરકારને કારણે પશ્ચિમ બંગાળમાં ઘણા વિકાસ પ્રોજેક્ટ બાકી છે. તેમણે કહ્યું કે,
જો ટીએમસી ભાજપનો વિરોધ કરવા માગે છે, તો
તેમણે તેમ કરવું જોઈએ, પરંતુ રાજકીય લાભ માટે વિકાસ અટકાવવો
એ સમજણ બહાર છે.