ઈસ્લામાબાદ, તા. 17 : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધારતા ઘટનાક્રમમાં
અદાલતે શુક્રવારે ભ્રષ્ટાચારના મામલામાં ઈમરાનને 14 વર્ષની જેલની સજા ફટકારી હતી, તો
ખાનનાં પત્ની બુશરા બીબીને સાત વર્ષની જેલ કરાઈ છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં ઊભી
કરાયેલી કોર્ટના ન્યાયમૂર્તિ નાસિર જાવેદ રાણાએ અલ-કાદિર ટ્રસ્ટ ભૂમિ ભ્રષ્ટાચાર મામલામાં
ખાન દંપતીને આ સજા કરી હતી. આ ટ્રસ્ટની જમીનો સસ્તામાં વેચી મારીને બન્નેએ રાષ્ટ્રીય
ખજાનાને પ0 અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન કર્યું હોવાનો આરોપ મુકાયો હતો. આ મામલામાં
નવ મે, 2023ના ઈમરાનની ધરપકડ કરી હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર પ0 અબજના
આ કૌભાંડમાં ઈમરાન અને બુશરા ઉપરાંત અબજપતિ જમીન માફિયા મલિકા રિયાઝ અને બુશરાની મિત્ર
ફરાહ ગોગી મુખ્ય સૂત્રધાર છે. અદાલતે ઈમરાનને 10 લાખ અને બુશરા બીબીને પાંચ લાખ રૂપિયાનો
દંડ પણ કર્યો હતો. અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર
પાકિસ્તાની ઈતિહાસના આર્થિક અપરાધના સૌથી મોટા મામલાઓમાં એક છે. ખાન દંપતી ઉપરાંત અન્ય
છ લોકો પર આરોપ મુકાયા હતા, પરંતુ બે સિવાયના તમામ દેશની બહાર છે. પાકના ગૃહમંત્રી
રાણા સનાઉલ્લાહે પણ ઈમરાનની ધરપકડ બાદ કહ્યું હતું કે, આ પાકના ઈતિહાસનું સૌથી મોટું
કૌભાંડ છે. અદાલતની આજની સજાએ ઈમરાનને મોટો ઝટકો આપ્યો છે.