• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

દેશ સામે યુદ્ધ...?!

લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના નવા મુખ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું છે કે, `આપણે હવે ભાજપ, આરએસએસ અને ખુદ ઇન્ડિયન સ્ટેટ (ભારત દેશ) સામે લડી રહ્યા છીએ. જો તમે એમ માનતા હો કે, આપણે ભાજપ-સંઘ સામે લડી રહ્યા છીએ તો તમે ખોટા છો. આ બંનેએ દેશના દરેક સંસ્થાન પર કબજો કરી લીધો છે, તેથી ભારતની રાજ્ય-શાસન વ્યવસ્થા સામે લડાઈ છે.' દેખીતી રીતે આ નિવેદનના તીવ્ર પડઘા પડયા. ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીનું નિવેદન ભારતને તોડવા અને આપણા સમાજને વિભાજિત કરવાની દિશામાં છે. જે તમામ શક્તિઓ ભારતને નબળું પાડવા ઈચ્છે છે. તેને પ્રોત્સાહિત કરવાનો-ઇતિહાસ કોંગ્રેસનો છે. સત્તા મેળવવા માટે તેમના લોભનો અર્થ રાષ્ટ્રની અખંડિતતા સાથે સમાધાન અને વિશ્વાસ સાથે દગો કરવાનો હતો, પણ લોકોએ હંમેશાં રાહુલ ગાંધીને અને તેમની સડેલી વિચારધારાને નકારી છે અને નકારશે. રાહુલ ગાંધી તેમના હાથમાં ભારતના બંધારણની નકલ શા માટે રાખે છે? બંધારણના સોગંદ ખાઈને લોકસભામાં વિપક્ષી નેતાના સોગંદ લેનારા રાહુલ ગાંધી હવે એમ કહી રહ્યા છે કે, હવે આપણે ભાજપ, સંઘ અને ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ, તો પછી બંધારણની નકલ હાથમાં રાખવાનો શું અર્થ છે? ઇન્ડિયન સ્ટેટ અર્થાત ભારતીય રાજ્યથી લડવાનો અર્થ એ થાય છે કે, તેઓ બધી લક્ષ્મણ રેખા વટાવી ગયા છે. સાથે જ બધાં સંસ્થાનોને જોડીને તેમણે એક રીતે દેશ વિરુદ્ધની વાત કરી છે. તેમની ભાષા અલગતાવાદીની છે. રાહુલે પોતાના નિવેદન દ્વારા ભાજપને હુમલો કરવાની તક પૂરી પાડી છે અને ભાજપના નેતાઓએ વિનાવિલંબે કહ્યું છે કે, રાહુલ દેશ તોડવાની ભાષા કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાલમાં જ આવેલાં હરિયાણા અને મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામ હજી સુધી પચાવી નથી શક્યા. ચૂંટણીપંચ પર એલફેલ આક્ષેપ કરી રહ્યા છે. આ એ આક્ષેપો છે જેનો જવાબ વિસ્તૃત રીતે ચૂંટણીપંચ દ્વારા આપી દેવામાં આવ્યો છે. તેઓ જે ભારતીય રાજ્યની લડવાની વાત કરી રહ્યા છે, એ ભારતમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાની કોંગ્રેસ સરકાર પણ સત્તામાં છે. શું આ કોંગેસ સરકારો ભારતીય રાજ્યનું અંગ નથી? રાહુલ ગાંધીને અનેક કેસમાં કોર્ટ દ્વારા જામીન મળ્યા છે, શું આ કોર્ટો ભારતીય રાજ્યનો હિસ્સો નથી? ભારતીય રાજ્ય સામે લડવાની વાતનો તમામ દેશપ્રેમીઓએ વિરોધ કરવો જોઈએ. શાસક પક્ષે પણ જોવું જોઈએ કે, આ નિવેદન એક રીતે દેશના લોકોને દેશ વિરુદ્ધ વિનાકારણ બળવો પોકારવા ઉશ્કેરણી કરી રહ્યું છે? જો આમ હોય તો રાહુલ ગાંધી સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ વિવાદ આખરે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થવા સુધી પહોંચે તો નવાઈ નહીં, તેઓ સામાન્ય સંસદસભ્ય નથી, લોકસભામાં વિપક્ષી નેતા છે-એમણે જવાબદારીનું ભાન રાખવું જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd