ગાંધીધામ, તા. 17 : તાલુકાના પડાણા પંચરત્ન માર્કેટમાં આવેલી
એક દુકાનમાંથી પોલીસે રૂા. 84,084ના શરાબ સાથે એક શખ્સને પકડી પાડયો હતો, જ્યારે મુખ્ય
સૂત્રધાર બે શખ્સ હાથમાં આવ્યા નહોતા. પડાણામાં રહેનાર મનુભા વાઘેલા નામનો શખ્સ પંચરત્ન
માર્કેટની ડી ગલીમાં દુકાન નંબર-બેમાં અંગ્રેજી દારૂ રાખી મનોજ જયસ્વાલ દ્વારા તેનું
વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગઇકાલે રાત્રે કાર્યવાહી કરી હતી. દુકાન
આગળથી મનોજ મોહન જયસ્વાલ નામનો શખ્સ હાજર મળી આવ્યો હતો. તેને સાથે રાખી દુકાનની તપાસ
કરાતાં અંદરથી દારૂની 11 પેટી મળી આવી હતી. અહીંથી મેકડોવેલ્સ નંબર- 1ની 48 બોટલ, રોયલ સ્ટેગ 750 એમ.એલ.ની 48 તથા રોયલ ચેલેન્જ
750 એમ.એલ.ની 36 બોટલ એમ કુલ રૂા. 84,084નો શરાબ જપ્ત કરાયો હતો. પડાણામાં રહેનાર મનુભા
વાઘેલા તથા જયપાલસિંહ ઉર્ફે શિવમ જાડેજાએ દુકાનમાં પેટીઓ રાખી પોતાને ચોકી માટે રાખ્યો
હોવાનું પકડાયેલા મનોજે જણાવ્યું હતું. હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી
પોલીસે હાથ?ધરી છે.