ગાંધીધામ, તા. 17 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનાર ડી.પી.એ.ના
ટ્રાફિક વિભાગમાં સહાયક ડાયરેક્ટર તરીકે ફરજ બજાવનાર આધેડને તમારા ઉપર ડ્રગ્સ, મની
લોન્ડરિંગ આર.બી.આઇ.નો કેસ થયો છે, છુટકારા માટે ઠગબાજોએ વીડિયો કોલ કરી પોલીસના સ્વાંગમાં
રહીને તેમને ભયમાં મૂકી તેમની પાસેથી રૂા. 36,63,040 પડાવી લીધા હતા. શહેરના ગુરુકુળ
વિસ્તાર 10-એ-એમાં રહેનાર ફરિયાદી સાંઇ એસ. શાત્રી ડી.પી.એ.માં ફરજ બજાવે છે. ગત તા.
11/1ના સવારે ફરિયાદીને ઠગબાજ દીપકકુમારનો ફોન આવ્યો હતો. તેણે પોતે ઇન્ડિયા પોસ્ટ
ઇન્ટરનેશનલ સર્વિસમાંથી વાત કરું છું કહી તમે દુબઇ પાર્સલ મોકલાવ્યું હતું તે પોલીસે
જપ્ત કર્યું છે. તમારા આધારકાર્ડનો ગેરલાભ લેવાયો છે. પાર્સલનો રિસીવર શેખ અબ્દુલ ગફાર
દુબઇવાળો હોવાની વાત કરી હતી. બાદમાં ઠગબાજે મુંબઇ પોલીસમાં ફોન ફોરવર્ડ કરવાનું કહી
બીજા નંબર જોડયા હતા, જેમાં પાર્સલ અંગે વાત થયા બાદ ફરીથી એલ.ટી. માર્ગ મુંબઇ પોલીસ
પી.આઇ. પ્રશાંત પાટિલ હોવાનું કહીને વાત કરી હતી. તમારા પાર્સલમાં પોલીસ ઓળખપત્ર, ડ્રગ્સ
મળ્યા હોવાની વાત કરી ફરિયાદીને ભયમાં મૂકી ધાકધમકી કરી હતી. બાદમાં અન્ય નંબરથી વીડિયો
કોલ આવતાં સામે છેડે પોલીસ યુનિફોર્મમાં બેઠેલા શખ્સે પ્રશાંત પાટિલની ઓળખ આપી ડ્રગ્સ,
મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી કેસ નંબર વગેરે લખાણ મૂક્યું હતું. બાદમાં સાચી
હકીકત જણાવશો તો અમે મદદ કરશું તેવી હૈયાધારણ?પણ આપી હતી. લખાણમાં સરકારી સીલ વગેરે
જોઇને ફરિયાદીએ પોતાના પર સાચે કેસ થયો હોવાનું માની લીધું હતું. બાદમાં ઠગબાજોએ આ
વાત કોઇને ન કરવા ધમકી આપી 90 દિવસ રિમાન્ડમાં લઇ?ટોર્ચર કરવાની ધમકીઓ આપી હતી. અમને
પૂછ્યા વગર ક્યાંય જવું નહીં તેમ કહી ફરિયાદીને સતત ફોન કરી તેમને ભયમાં મૂકી દીધા
હતા. તા. 13/1ના પ્રાથમિક તપાસમાં તમારું નામ કાઢી, મુંબઇ ન આવવું પડે તે માટે તમારે
રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી. બાદમાં આર.બી.આઇ.નો લેટર મોકલી પશ્ચિમ બંગાળ સિલિગુડ્ડી
બ્રાંચના આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના ખાતાં નંબર મોકલી આપ્યા હતા, જેમાં રૂા.
18,31,520નો આર.ટી.જી.એસ. ચેક મોકલી આપવા ધમકી આપતાં ફરિયાદીએ રકમ મોકલી આપી હતી. તા.
14/1ના ફરીથી વધુ પૈસાની માંગ કરાતાં મકરસંક્રાંતિની રજા હોવાથી પૈસા મોકલાવી શક્યા
નહોતા. ઠગબાજોએ વધુ રૂપિયા નહીં આપો તો તપાસ ચાલુ જ રહેશે તેવી ધમકીઓ આપી હતી. તા.
15/1ના ફરિયાદીને કર્ણાટક બેંગ્લોર બ્રાન્ચની ડી.બી.એસ. બેંકના ખાતાં નંબર મોકલવામાં
આવ્યા હતા, જેમાં પણ ભોગ બનનારે રૂા. 18,31,520 આર.ટી.જી.એસ. કર્યા હતા. બાદમાં ફરિયાદી
વારંવાર તેમને ફોન કરતાં તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. અંતે તેમના ફોન ઉપાડવાનું
બંધ કરી નાખ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં તેમણે સાયબર હેલ્પલાઇન
નંબર 1930 ઉપર ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.