• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

માદક પદાર્થના કેસમાં ગુંદાલાની મહિલાના જામીન મંજૂર

ભુજ, તા. 17 : માદક પદાર્થ ગાંજા સાથે પકડાયેલી મહિલા આરોપી તેજબાઈ રામજીભાઈ રૂપાણીએ કરેલી જામીન અરજી ભુજની સેશન્સ અદાલતે શરતોને આધીન મંજૂર કરી હતી. આરોપી તેજબાઈ તથા અન્ય આરોપી અભુભખરએ મળીને રૂા. 18,940ની કિંમતના 1894 ગ્રામ ગાંજાનો જથ્થો ગેરકાયદે મેળવ્યો હતો અને ગાંધીધામ-માંડવી માર્ગ મોટા કાંડાગરા નજીક પકડાયા હતા. આ ગુનામાં તેજબાઈએ એનડીપીએસ કાયદાની ખાસ અદાલતમાં જામીન મેળવવા અરજી કરી હતી. અદાલતે બંને પક્ષને સાંભળી તેને શરતોને આધીન જામીન પર મુક્ત કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે ધારાશાત્રી કે.પી. ગઢવી, ભાવિકા ભાનુશાલી તથા પ્રિયા આહીરે હાજર રહી દલીલ કરી હતી. - ફોરમનો ગ્રાહક તરફે ચુકાદો : ગાંધીધામના ચંદ્રેશસિંહ રાજકિશોરસિંહ જાડેજાએ ગાંધીધામમાં આવેલી કભી બી બેકરીમાંથી ખરીદેલા પફ ખાવાથી તબીયત બગડી હતી, જે અંગે બેકરી સંચાલકને રૂબરૂમાં જાણ કર્યા?છતાં કોઈ દાદ અપાઈ નહોતી. અંતે ગ્રાહક ફોરમમાં ધા નખાઈ હતી. ફોરમે તમામ આધાર-પુરાવા ચકાસીને ફરિયાદી તરફે ચુકાદો આપ્યો હતો અને બેકરીએ ફરિયાદીને માનસિક ત્રાસના વળતર પેટે રૂા. 1,500 તથા અરજી ખર્ચના રૂા. 1,500 ચૂકવવા અને અખાદ્ય પદાર્થના વેચાણથી અનામી ગ્રાહકોને થયેલા નુકસાનના વળતર પેટે રૂા. 5,000 ગુજરાત ગ્રાહક સુરક્ષા ફંડમાં જમા કરાવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી વકીલ વિવેકસિંહ આર. જાડેજા, પી.એમ. જાડેજા, આર.એન. ચૌહાણ અને ડી.વી. ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd