• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

લુણવા મૃતક યુવતીની ઉંમર સોગંદનામા કેસમાં આરોપીના આગોતરા મંજૂર

ભચાઉ, તા. 17 : તાલુકાના લુણવામાં મૃત્યુ પામનાર કિશોરીના સોગંદનામા, ઉંમર પ્રકરણે એક આરોપીના આગોતરા મંજૂર કરાયા હતા તેમજ રાપરના મરવા મજબ્રૂ કરવાના કેસમાં ત્રણ લોકોને નિર્દોષ ઠરાવવામાં આવ્યા હતા. રાપરના જમીન પચાવી પાડવાના કેસમાં આરોપીને આગોતરા મંજૂર કરાયા હતા. લુણવાની નારાયણી કોક પ્રા. લિમિટેડ (સદ્ગુરુ ફ્યુઇન) કંપનીમાં કાજલકુમારી નામની શ્રમિકનું મોત થયું હતું, જેમાં તેની ઉંમર અંગે બાદમાં સોગંદનામું કરાયું હતું, જેમાં પોલીસે તપાસ કરી બાદમાં પી.એસ.આઇ. કે. બી. તરારે આ અંગે ત્રણ લોકો સામે ફરિયાદ કરી હતી. આ કેસમાં નીરજ છેદીલાલ માસેદિયાએ આગોતરા માટે અરજી કરતાં તેની અરજી મંજૂર કરવામાં આવી હતી. રાપર પોલીસ મથકે હંસાબેન કાશીરામ મારાજે તેમની દીકરી આશાબેનના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આશાબેને શારીરિક, માનસિક ત્રાસથી કંટાળી જાત જલાવી લીધી હતી. બાર વર્ષ અગાઉના આ કેસમાં 19 સાહેદ અને 15 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષની દલીલો ધ્યાને લઇ કોર્ટે પૂરતા પુરાવા ન હોઇ કાશીરામ અરજણ મારાજ, શંકર અરજણ મારાજ, મગન ખોડા મારાજને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. રાપર પોલીસ મથકે માવજી દેવા ભાટેસરાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં બિનખેતીવાળા પ્લોટ પચાવી પાડવા ખોટા દસ્તાવેજ કરી તેમાં તેમની ખોટી સહી કરી તેનો ઉપયોગ કરાયો હોવાનું જણાવાયું હતું. આ પ્રકરણમાં આરોપી અંબાવી રણછોડ રાવરિયા (પટેલ)એ આગોતરા માટે કોર્ટમાં અરજી કરતાં તેમની અરજી ગ્રાહ્ય રાખી આગોતરા જામીન અપાયા હતા. આ ત્રણેય કેસમાં આરોપીઓ તરફે ધારાશાત્રી હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, વિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાણિયા અને હરપાલસિંહ જાડેજા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd