• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

કેગના અહેવાલના મુદ્દે આપ પર ભીંસ વધી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને તેનું કહેવાતું દારૂ કૌભાંડ કેડો મુકતું નથી. એક તરફ જ્યારે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ધમધમી રહ્યો છે અને રાજકીય પક્ષો આરોપો અને પ્રત્યારોપોમાં કોઇ પણ હદે જઇ રહ્યા છે, ત્યારે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ)નો દારૂ કૌભાંડનો અહેવાલ આરોપોની આગને વધુ તીવ્ર બનાવી રહ્યો છે.  આ અહેવાલ આવતાંની સાથે આપે તેની પ્રકૃતિ મુજબ દોષનો ટોપલો ભાજપ પર ઢોળવામાં જરા પણ સમય બગાડયો ન હતો, પણ હવે આ મામલે દિલ્હીની વડી અદાલતે આપ સરકારની ઝાટકણી કાઢતા આખા પ્રકરણની સત્યતા સામે આવી ગઇ છે. હવે આપ માટે બચાવનો કોઇ માર્ગ જણાતો નથી અને ભાજપને એક નવું શસ્ત્ર હાથવગું થયું છે. ચૂંટણી પહેલાં જ કેગનો આ અહેવાલ સામે આવતાં તેને જાહેર થવાના સમય અને પદ્ધતિ સામે સ્વાભાવિક રીતે રાજકીય આક્ષેપો શરૂ થયા હતા. આપે એવો આક્ષેપ કર્યો કે, આ અહેવાલ કેગે નહીં, પણ કેન્દ્ર સરકારે તૈયાર કર્યો છે. આ અહેવાલ વિધાનસભામાં રજૂ થવો જોઇતો હતો, પણ તે જાહેર થવા પહેલાં જ ભાજપના નેતાઓના હાથમાં પહોંચી ગયાની આરંભમાં ચર્ચા થઇ હતી, પણ ભાજપે આ બાબતને અદાલતમાં પડકારતા સત્ય હકીકત સામે આવી ગઇ છે.  દિલ્હીની વડી અદાલતે આપ સરકારની ઝાટકણી કાઢી છે કે, કેગના અહેવાલને વિધાનસભામાં રજૂ કરીને તેના પર ચર્ચા કરાવવામાં જે રીતે વિલંબ કરાયો તેનાથી શંકા જાગે છે. સરકારે આ અહેવાલ ઉપરાજ્યપાલને મોકલીને ચર્ચા માટે વિધાનસભાના સત્રને બોલાવવાની વિનંતી કરવી જોઇતી હતી. અદાલતના આ સ્પષ્ટ અને કડક વલણથી કેગ અંગે આપની તમામ દલીલો બેઅસર થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતથી આપના નેતાઓ શરાબ ગોટાળાના આરોપોને પાયાવગરના ગણાવતા આવ્યા છે. આપની દિલ્હી સરકાર પણ એમ કહેતી આવી છે કે, આવો કોઇ ગોટાળો થયો જ નથી, પણ જેમ-જેમ તપાસમાં પૂરાવા સામે આવતા ગયા તેમ-તેમ આપના નેતાઓ જેલમાં ગયા. ખુદ મુખ્યમંત્રી કેજરીવાલને પણ જેલમાં જવું પડયું તો પણ તેઓ હજી પણ એમ કહેતા રહે છે કે, આ ગોટાળો એક કાવતરું છે, પણ કેગના અહેવાલમાં આ મામલાની સંગીન હકીકતો સામે આવી છે, ત્યારે આ અહેવાલને પણ ખોટો ઠેરવવામાં આપના નેતાઓને છોછ રહ્યો નથી. આપના નેતાઓને ગળે હજી એ વાત ઊતરી શકી નથી કે, જો આ આરોપો ખોટા હોત તો તેમની ધરપકડ થઇ ન હોત, અદાલતોમાં તેમના જામીન વિલંબમાં પડયા ન હોત.  હવે કેગના મામલે પણ વડી અદાલતે આપની ખોટી દલીલોને વધુ એક વખત ખુલ્લી પાડી દીધી છે. હવે આપ અને તેની દિલ્હી સરકારે કેગના અહેવાલને વિધાનસભામાં શા માટે રજૂ ન કરાયો તેનો ખુલાસો કરવો જોઇએ. વિધાનસભાની મંજૂરી મળે તે પછી જ આ અહેવાલ પર કાર્યવાહી હાથ ધરી શકાય તેની જાણ હોવા છતાં આ વિલંબથી આપનો ઇરાદો છતો થઇ જાય છે. સ્પષ્ટ છે કે, ખરાખરીના ચૂંટણી જંગમાં આપ તેની સામે આરોપોનો નવો પટારો ખૂલે તે ઇચ્છતી ન હોવાથી કેગનો અહેવાલ દબાવીને બેઠી હતી, પણ શરાબ ગોટાળો તેનો કેડો મૂકે તેમ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd