હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 17 : કચ્છ સહિત ગુજરાત
તેમજ દેશના મોટા ભાગનાં રાજ્યોમાં હૃદયાઘાતથી મોત થવાના કિસ્સામાં ખાસ કરીને કારોનાકાળ
બાદ વધારો જોવા મળ્યો છે. વિશેષ તો યુવા વયમાં આ પ્રમાણ એકાએક વધવા લાગતાં આરોગ્ય ક્ષેત્રના
તજજ્ઞો માટે આ એક ગહન સંશોધનનો વિષય બન્યો છે. તેવામાં કચ્છમાં 2023ની તુલનાએ 2024ની
સાલમાં હૃદયરોગની સાથે કેન્સરથી થયેલાં મોતનાં પ્રમાણમાં ચિંતા જગાવે તેવો વધારો જોવા
મળ્યો છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની આંકડાકીય રૂપરેખામાં જે આંકડા આપવામાં
આવ્યા તે અનુસાર હૃદયરોગથી મોતના કિસ્સામાં 40 ટકા, તો કેન્સરથી મોતનાં પ્રમાણમાં ત્રણગણો
વધારો જોવા મળ્યો છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનીએ, તો બેઠાડુ જીવનશૈલી, વ્યસનના
વધેલાં પ્રમાણ સહિતનાં કારણોના લીધે આ સ્થિતિ સર્જાઈ છે, તો એક વર્ગ એવું પણ માની રહ્યો
છે કે, કોરોના બાદ હાથ ધરાયેલા રસીકરણના કારણે ખાસ કરીને યુવા વર્ગમાં કાર્ડિયાક અરેસ્ટ
એટલે કે, હૃદયરોગના હુમલાથી આકસ્મિક મોતના કિસ્સા વધ્યા છે. આંકડાકીય રૂપરેખામાં અપાયેલી આંકડાકીય વિગતો પર
એક દૃષ્ટિપાત કરીએ, તો 2023માં 1266પ લોકોનાં મોત નોંધાયાં, તેની સામે 2024માં
14118 લોકોનાં મોત થયાં છે. સત્તાવાર આંકડા અનુસાર 14પ3 જેટલાં મોત આ વર્ષના સમયગાળામાં
વધ્યાં છે. 2023માં જિલ્લામાં 2પપ6 લોકો માટે
હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો. 2024ની સાલમાં આ આંકડો વધીને 3પ69 ઉપર પહોંચ્યો છે. એટલે કે, હૃદયરોગથી
મોતના કિસ્સામાં 40 ટકાનો વધારો થયો છે. જિલ્લાના શહેરી વિસ્તારમાં 1169 અને ગ્રામ્ય
વિસ્તારમાં 2373 લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા છે. એક અગત્યનું તારણ એ પણ નીકળીને બહાર
આવ્યું છે કે, કેન્સરથી થયેલાં મોતમાં ત્રણગણો વધારો થયો છે. 2023માં આરોગ્ય વિભાગના
આંકડા અનુસાર રાજરોગ ગણાતા કેન્સરથી 217 લોકો મૃત્યુ પામ્યા, તેની સામે 2024માં આં
આંકડો 600 ઉપર પહોંચ્યો છે. કેન્સરના વધેલા દર્દીઓ અને મોતના આંકડા પછવાડે પણ અનેક
પરિબળો કારણભૂત હોવાનું જાણકારો કહી રહ્યા છે. ટીબી, તાવ અને બ્રોન્કાઈસીસ અસ્થમાથી
થયેલાં મૃત્યુના કેસમાં પણ ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો છે.