નવી દિલ્હી, તા.17: ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશ, પેરિસ ઓલિમ્પિકમાં
બે કાંસ્ય ચંદ્રક જીતનાર નિશાનેબાજ મનુ ભાકર, હોકી ટીમના કપ્તાન હરમનપ્રિત સિંહ અને
પેરા ઓલિમ્પિકમાં હાઇ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતનાર દિવ્યાંગ ખેલાડી પ્રવીણકુમારને રાષ્ટ્રપતિ
શ્રી દ્વૌપદી મુર્મૂના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે પરંપરાગત સમારંભમાં દેશનો સર્વોચ્ચ
ખેલ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ એનાયત થયા હતા. આ ઉપરાંત 31 ખેલાડીઓને અર્જુન
એવોર્ડ એનાયત થયા હતા. ચાર કોચને ગુરુ દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
1972ના પેરા ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર યુદ્ધ નાયક મુરલીકાંત પેટકર કાંખઘોડીના
સહારે જ્યારે લાઈફટાઇમ એચીવમેન્ટ અર્જુન એવોર્ડ લેવા રાષ્ટ્રપતિ સમક્ષ પહોંચ્યા ત્યારે
પૂરો અશોક હોલ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો હતો. તેઓ હાલ 80 વર્ષના છે. તેમના પર ચંદુ
ચેમ્પિયન નામક ફિલ્મ ગયા વર્ષે રીલિઝ થઇ હતી. જેમાં કાર્તિક આર્યને મુખ્ય ભૂમિકા ભજવી
હતી. સમારોહમાં ખેલ મંત્રી મનસુખ માંડવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.