ભારતે તેનો 77મો સૈન્ય દિવસ નૌકાદળમાં બે યુદ્ધ જહાજ અને એક
સબમરીનનો સમાવેશ કરીને અનોખી રીતે ઊજવ્યો છે. બુધવારે મુંબઇમાં યોજાયેલા એક ગૌરવભર્યા
સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણે જહાજ રાષ્ટ્રસેવામાં અર્પણ કરીને ભારતીય
લશ્કરી દળોના ઇતિહાસમાં અનોખો દિવસ અંકિત કર્યો હતો. આઇએનએસ સુરત, આઇએનએસ નીલગિરિ અને સબમરીન આઇએનએસ
વાઘશીરનો નૌકાદળમાં સમાવેશ થવા પ્રસંગે ભારતે વિશ્વને સંદેશ આપ્યો છે કે, તેની લશ્કરી
ક્ષમતા માત્ર ને માત્ર શાંતિ, વિકાસ અને આત્મરક્ષણ માટેની છે. ચાર વખત પાકિસ્તાન અને
એક વખત ચીન સાથે જંગ લડવી પડી હોવા છતાં ભારતે તેની લશ્કરી શક્તિનો આક્રમકતા કે વિસ્તારવાદ
માટે કદી ઉપયોગ કર્યો નથી. નૌકાદળના ત્રણે શક્તિશાળી જહાજ અને સબમરીન રાષ્ટ્રને અર્પણ
કરતી વેળાએ વડાપ્રધાન મોદીએ વિશ્વને હૈયાધારણ આપી કે 21મી સદીમાં ભારત તેની સૈન્ય શક્તિને
વધુ સક્ષમ અને આધુનિક બનાવે તે તેની અગ્રતા છે, પણ આ શક્તિનો ઇરાદો વિસ્તારવાદ નહીં
પણ વિકાસવાદનો છે. દેશની વિકાસયાત્રા વણથંભી અને અંતરાય વગરની બની રહે તે માટે લશ્કરી તાકાતને મજબૂત અને હાઇટેક બનાવાઇ રહી છે.
ભારતની લશ્કરી તાકાત કોઇ અન્ય દેશને હેરાન કરવા માટેની ન હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને
જો કે, સ્પષ્ટ કર્યું હતું કે, જો કોઇ આપણી સામે આંખ ઉઠાવીને જોશે તો તેનો યોગ્ય જવાબ
અપાશે. ભારતીય લશ્કર આજે વિશ્વમાં શક્તિશાળી
સૈન્યોની સરખામણીએ આવી ગયું છે. વૈશ્વિક સાઉથના વિસ્તારમાં ભારતની લશ્કરી તાકાત પર
દુનિયાના દેશોને ભરોસો છે. આમ તો આ વિસ્તારમાં ચીનની લશ્કરી તાકાત પ્રથમ ક્રમની છે,
પણ તેના વિસ્તારવાદી વલણને લીધે કોઇને તેના પર જરા પણ વિશ્વાસ નથી. ઉલ્લેખનીય છે કે, હાલના વૈશ્વિક વ્યૂહાત્મક સમીકરણોમાં
હિન્દ મહાસાગર અને હિન્દ પ્રશાંત મહાસાગરના દરિયાઇ માર્ગોનું મહત્ત્વ અનેકગણું વધ્યું
છે. આવા સંજોગોમાં ભારતની દરિયાઇ તાકાત આ દરિયાઇ વિસ્તારોમાં સલામતીનું ચાવીરૂપ માધ્યમ
બની ચૂકી છે. દરિયાઇ ચાંચિયા હોય કે પછી દાણચોરી
જેવા ગુના હોય ભારતીય નૌકાદળ વિશ્વના જહાજી વ્યવહાર માટે રક્ષણ પૂરું પાડે છે, તો બીજી
તરફ ભારતની મજબૂત સલામતી વ્યવસ્થા વિકાસને વધુ ભરોસાપાત્ર બનાવવા માટે અનિવાર્ય છે.
નૌકાદળની વધેલી તાકાતથી ભારતના વિકાસવાદના મંત્રને સલામતીનો વધારાનો ઓપ મળશે એમાં કોઇ
શંકા જણાતી નથી. આવનારા સમયમાં ભારતીય લશ્કર ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનાવટભર્યા
પડોશીઓના ઇરાદા સામે વધુ મજબૂત બનતું રહેશે, તેની સાથોસાથ આત્મનિર્ભતાના લક્ષ્યને હાંસલ
કરવામાં વધુ પ્રગતિ સાધશે એમ હાલના હકારાત્મક માહોલ પરથી સ્પષ્ટ રીતે જણાઇ રહ્યંy છે. ત્રણે યુદ્ધ જહાજને જે રીતે મઝગાવ ડોકયાર્ડે
ઘરઆંગણે તૈયાર કરવા ઉપરાતં તેમાં 75 ટકા સ્વદેશી સરંજામનો ઉપયોગ કર્યો તે હકીકત આવનારા
સમયમાં સરંક્ષણ ઉત્પાદનમાં પણ ભારતની હથોટીનો વિશ્વને પરચો કરાવવા સક્ષમ છે.