કોટડા (ચકાર), તા. 17 : જિલ્લા
લોકલ બોર્ડ દ્વારા 60 વર્ષ પહેલાં અહીં પશુ સારવાર કેન્દ્ર બનાવાયું છે, પરંતુ પશુ
ચિકિત્સક ન હોવાનાં કારણે દવાખાનાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં શોભામાત્ર બન્યું
છે ત્યારે અહીં પશુ ચિકિત્સકની નિયુક્તિ કરી તાત્કાલિક સુવિધા શરૂ કરાય તેવી માંગ કરાઇ છે.તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રમેશભાઇ ગઢવીએ ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીને પત્રમાં
લખ્યું હતું કે, આ પંથકના સણોસરા, બંદરા, ભેડ માતા, સરાણ માતા, વરલી, થરાવડા, રેહા,
ચકાર, જાંબુડી સહિતનાં ગામડાઓમાં મોટી સંખ્યામાં પશુધન છે અને તેનું દૂધ ડેરીમાં અપાય
છે. પશુ ચિકિત્સકની સુવિધા ન હોવાનાં કારણે માલધારીઓને મુશ્કેલી પડે છે. સ્વ. હીરજીભાઇ
કોટકના પ્રયાસોથી બનેલાં સેન્ટરમાં તબીબ તથા સ્ટાફની ભરતી કરી તાત્કાલિક ચાલુ કરાવવા
માંગ ઊઠી છે.