ભુજ, તા. 17 : તેરાપંથના અધિશાસ્તા આચાર્ય મહાશ્રમણજી કચ્છ તરફ
પગરણ માંડી રહ્યા છે. હજારો લોકો તેમજ કચ્છવાસીઓ ઉત્સુક છે. તેમને આવકારવા ઘરે-ઘરે
તપ અને ત્યાગ સાથે શ્રદ્ધાના તોરણ બંધાઈ રહ્યા છે. આ સ્વર્ણિમ અવસરને વધાવવા માટે ફક્ત
તેરાપંથ સમાજ જ નહીં પરંતુ સંપૂર્ણ જૈન સમાજ પોતાની પલક બિછાવીને રાહ જુએ છે અને આ
મર્યાદા મહોત્સવને નિહાળવા આતુર છે. કચ્છ પ્રવેશના કટારિયા મધ્યે જઈને તેમનું સ્વાગત
કરવા માટે ભુજના સમગ્ર જૈન સમાજ એટલે કે સાત સંઘના પ્રમુખ પણ એક જ વાત ઉચ્ચારે છે કે,
આ મર્યાદા મહોત્સવ આપણા સૌનો છે. આપણે સૌ સાથે મળીને આ મહોત્સવને યશસ્વી, ઐતિહાસિક
અને યાદગાર બનાવવા કમર કસીએ. ભુજ ગામ નાનું પણ શ્રદ્ધા, સેવા, સમર્પણ, ભક્તિભાવ અને
મનોબળ ખૂબ જ ઊંચા છે. સ્વાગતમાં શ્રાવક સમાજ
કહે છે કે, તેમના પ્રવેશમાં કટારિયા મિની કચ્છ બને અને એક જૈન એકતાનો દિવ્ય
સંદેશ આપે એ જ સૌની ઈચ્છા છે. સંપૂર્ણ શહેરમાં એક જ માહોલ `ગુરુદેવ પધારો અસાંજે કચ્છ' અને `કરછ નહીં દેખા તો કુછ નહીં દેખા' આચાર્ય
સાથે તેમની ધવલસેના - સાધુ-સાધ્વીઓ હજારો માઈલનો વિહાર કરે છે, છતાંય પ્રસન્ન ચિત્તે,
ગુરુદેવને અને સાધ્વી પ્રમુખાજી, મુખ્ય મુનિ, સાધ્વી વર્યાજી વિગેરેને જરા પણ તકલીફ
ન પડે તે માટે સંપૂર્ણ શ્રાવક સમાજ જાગૃત છે. તેમને આડંબરમાં જરા પણ રસ નથી અને તે
માટે ભુજ સભાએ તપ-ત્યાગનું બીડું ઝડપ્યું છે અને 161 અઠ્ઠમતપથી તેમનું સ્વાગત કરાશે.
મર્યાદા મહોત્સવની સાથે કચ્છ ફતેગઢના સંઘવી પરિવારના પુત્ર કેવિન કુમાર વર્ષ 16ની દીક્ષા
પ્રસંગની પણ તૈયારી જોરશોરથી ચાલી રહી છે. મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના અધ્યક્ષ કીર્તિભાઈ
સંઘવીનાં માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ્, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના
સદસ્યો વિગેરે રસ્તાની સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે, તેવું એક યાદીમાં પ્રવાસ
વ્યવસ્થા સમિતિના પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.