વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં ઝેડ
મોર્થ ટનલનું ઉદ્ઘાટન કરીને જનસભાને સંબોધતાં જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં મેં રેલ
ડિવિઝનનો શિલાન્યાસ કર્યો હતો. આ તમારી જૂની માગણી હતી. હવે સોનમર્ગ ટનલ દેશને સોંપતાં
આનંદ થાય છે. ફરી એકવાર લદ્દાખની વધુ એક જૂની માગણી પૂરી થઈ છે. આ ટનલ સોનમર્ગ વિસ્તારમાં
ટૂરિઝમનાં ક્ષેત્રનો વિકાસ કરશે. આગામી દિવસોમાં રેલવેથી કાશ્મીર પણ જોડાવાનું છે,
આને લઈ અહીં જબરદસ્ત ખુશીનો માહોલ છે. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીનો
આભાર માન્યો, શુક્રિયા અદા કર્યો. કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 6.5 કિલોમીટર લાંબી
ઝેડ મોર્થ ટનલનું ઉદ્ઘાટન ઐતિહાસિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં આ ટનલનું ઉદ્ઘાટન
કર્યું, તેથી ઉપયોગિતાને સહજ સમજી શકાય છે. આ ટનલનું વ્યૂહાત્મક, આર્થિક અને સામાજિક
મહત્ત્વ ઘણું બધું છે. વ્યૂહાત્મક મહત્ત્વ એ છે કે, આનાથી જમ્મુ-કાશ્મીરની સુરક્ષા
મજબૂત બનશે. આર્થિક મહત્ત્વ છે. કારણ કે, ટનલથી આ કેન્દ્રશાસિત રાજ્યનું અર્થતંત્ર
વધુ સમૃદ્ધ બનશે. અહીં આવવા માટે ઉદ્યોગપતિઓ આકર્ષિત થશે. રોજગારમાં વૃદ્ધિ થશે. સામાજિક
મહત્ત્વ છે. કારણ કે, કાશ્મીરમાં લોકોને પરસ્પરથી દૂર હોવાનો ભારે અહેસાસ થતો હતો,
તે હવે ઓછો થશે. આ બે-લેનની ટનલ ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગને જોડી દેવામાં
આવ્યાં છે. આનાથી વિશેષ રીતે સોનમર્ગનાં અર્થતંત્રને લાભ થશે. રોજગાર માટે નવા અવસર
ખૂલશે. કેટલાક દશકા પહેલાં કાશ્મીરમાં આવી કોઈ ટનલની કલ્પના પણ અસંભવ હતી, પરંતુ હવે
દેશ ફક્ત એક ટનલ પર 2700 કરોડ રૂપિયાથી વધુખર્ચ કરી શકે છે. વાસ્તવમાં દેશને જોડનારા
રસ્તાઓનું નિર્માણ અનિવાર્ય બની ગયું છે. સમુદ્રતટથી 8650 ફૂટથી અધિકની ઊંચાઈ પર સ્થિત
આ ટનલ કોઈપણ મોસમમાં બંધ નહીં થાય. આનાથી ન
ભૂસ્ખલનનો ભય રહેશે અને ન હિમસ્ખલનનો. કાશ્મીરમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનાં રોકાણથી
રસ્તા યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. એટલું જ નહીં, રોપ-વે અને કેબલ કાર ચલાવવા માટે
લગભગ બાવીસ પ્રસ્તાવ છે, જેને 25,000-30,000 કરોડ રૂપિયાનાં રોકાણથી પૂર્ણ કરવાના છે.
જમ્મુ-કાશ્મીરનાં પર્યટનમાં ચાર ગણો વધારો થવાનું અનુમાન છે. જેનાથી જમ્મુ-કાશ્મીર
આત્મનિર્ભર અને સમૃદ્ધ થશે. સ્પષ્ટ છે કે, કાશ્મીર મૂળભૂત વિકાસ સાથે અમન-ચૈન ભણી વધી
રહ્યું છે. હવે કાશ્મીરને ભારતનાં અન્ય રાજ્યોની જેમ-સમકક્ષ દરજ્જો - સ્થાન-માન મળવાના
દિવસ પણ દૂર નથી. જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કર્યા પછી મોદી સરકારે
એ રાજ્યને દેશની મુખ્યધારામાં સામેલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ફક્ત વાતો કરીને
બેસી રહેવાને બદલે સરકારે આયોજનબદ્ધ રીતે એક પછી એક મોટાં પગલાં લીધાં તેને લીધે કાશ્મીર
હવે વિકાસના માર્ગે દોડતું દેખાય?છે. સ્થાનિક લોકોને પણ સરકારમાં વિશ્વાસ બેસી ગયો
છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પીએમનાં વખાણ કરે એ દર્શાવે છે કે, ખીણનો માહોલ બદલાઇ
રહ્યો છે.