ભુજ/ગાંધીધામ, તા. 17 : લખપત તાલુકાના નરામાં રહેતી દમયંતીબેન
દેશર ખોખર (ઉ.વ. 18) નામની યુવતીએ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બીજી
તરફ શહેરનાં સુંદરપુરી વિસ્તારમાં મંજુલાબેન નારણ ધેડા (ઉ.વ. 41) નામની મહિલાએ ગળેફાંસો
ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ, હતભાગી યુવતી પોતાના
ઘરે હતી, ત્યારે આડીમાં દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં તેને સારવાર
માટે તાત્કાલિક દયાપર ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો
હતો. આ મામલે નરા પોલીસે તપાસ હાથ ધરી છે. અપમૃત્યુનો વધુ એક બનાવ ગાંધીધામમાં બન્યો
હતો. શહેરના જૂની સુંદરપુરી નવરાત્રિ ચોકમાં રહેતા મંજુલાબેને ગઈકાલે સાંજે અંતિમ પગલું
ભરી લીધું હતું. આ મહિલા પોતાના ઘરે હતા ત્યારે અગમ્ય કારણે દુપટ્ટા વડે ફાંસો ખાઈ
અનંતની વાટ પકડી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ આદરી છે.