ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 17 : પાકિસ્તાનની સીમાએથી બાબુ અલી પકડાયાની પૂછપરછ પછી ગણતરીના કલાકમાં
રાજસ્થાનની બોર્ડર પરથી હથિયારોનો જથ્થો પકડાયો છે, સીમા સુરક્ષા દળે ઓસ્ટ્રેલિયન બનાવટની
ચાર પિસ્તોલ, આઠ મેગેઝિન અને 78 કારતૂસ પકડ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના એક અધિકારીએ
જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, કચ્છની સરહદ પરથી બાબુ અલી નામનો માણસ
પકડાયો ત્યારે એ માછીમાર હોવાનું જણાવતો હતો, પણ એના હાથ માછીમારો કરતાં કોમળ હતા.
એ વધુ ભણેલો ન હતો, પણ એની પાસે કેટલાક શબ્દો હતા, જેને અમે ડિકોડ કર્યા હતા. આ શબ્દો
ડિકોડ કર્યા પછી અમને ખબર પડી કે, ડ્રગ્સ નહીં કોઈ બીજું કન્સાઇન્મેન્ટ આવી રહ્યું છે, અમે અમારી હ્યુમન ઇન્ટેલિજન્સની
ટીમને સતર્ક કરી તો અમને ખ્યાલ આવ્યો કે, બેટ દ્વારકામાં કેટલાક ધાર્મિક સ્થાનો તૂટ્યા
પછી સોશિયલ મીડિયામાં એનો બદલો લેવાની વાત વાયરલ થઇ હતી. અમે ટેકનિકલ સર્વેલન્સથી સોશિયલ
મીડિયાના રૂટને ટ્રેસ કર્યું. અમને બીજા કોડવર્ડ મળ્યા અને એ ડિકોડ કર્યા તો ખબર પડી
કે, બાડમેરથી હથિયાર આવવાની વાત હતી. અમે ચાંપતી નજર રાખી ત્યારે ખબર પડી કે બાડમેરથી
હથિયાર આવી રહ્યા છે અને ગુજરાતમાં લાવવાના છે. અમે બીએસએફ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું,
તો ઓસ્ટ્રેલિયન બનાવટની 9 એમએમની ગ્લોક પિસ્તોલ, આઠ મેગેઝિન અને 78 કારતૂસ મળ્યા છે.
નિવૃત્ત કર્ણાટ એચ.એમ. પટેલે જન્મભૂમિ પત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ઓસ્ટ્રેલિયન
બનાવટની પિસ્તોલ એવી છે કે, એમાં કારતૂસ સાથે મેગેઝિન લોડ કરવામાં આવે તો વજન માત્ર
9.5 કિલો થાય છે, એની ગ્રીપ અણઘડ નિશાનેબાજને પણ સરળતાથી નિશાન લેવડાવી શકે છે. વજનમાં
હલકી હોવાથી વગર ટ્રેનિંગે પણ એક સાથે છ ફાયર કરી શકે છે અને એ નિષ્ફળ જવાની સંભાવના
ઘટી જાય છે, એટલે આ વખતે ઓસ્ટ્રેલિયન બનાવટની પિસ્તોલ આવી હોય એમ લાગે છે. ઉલ્લેખનીય
છે કે, 12 જાન્યુઆરીના દરિયાઈ ક્રીકમાંથી બોર્ડર પિલર નં.1139 પાસેથી સામે પારથી ઘૂસી
આવેલા બાબુઅલીને સતર્ક સીમા સુરક્ષા દળે ઝડપી પાડયો હતો.