મહેશ મહેતા દ્વારા : ભુજ, તા. 17 : તેરાપંથ સંપ્રદાયના
આચાર્ય મહાશ્રમણજી હંમેશાં માનવતા અને નૈતિકતાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, ત્યારે
કચ્છમાં યોજાનારા મર્યાદા મહોત્સવમાં ભાગ લેવા કચ્છ આવી રહ્યા છે. આ મર્યાદા મહોત્સવના
કન્વીનર કીર્તિ કેશવલાલ સંઘવીએ આયોજન અંગેની રૂપરેખા આપતાં એક મુલાકાતમાં જણાવ્યું
કે, આ મહોત્સવ જૈન એકતાની મિશાલ સાબિત થશે. - કયા કારણોસર
યોગ્યતા મળી ? : પુલકિત મુનિની પ્રેરણાથી 2022ની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં
4, 5, 6 તારીખના છાપરમાં સમસ્ત કચ્છથી ગુરુદર્શન માટે ગયેલા સંઘે કચ્છ પધારવાની સમર્પિતભાવે
પ્રાર્થના કરતાં અમારા પૂર્વજોના પુણ્યો અને આશીર્વાદ અને તેનાથી પણ વિશેષ પૂજ્ય ગુરુદેવની
કચ્છ પ્રત્યેની કૃપાદૃષ્ટિથી તેરાપંથ ધર્મસંઘના ગુજરાતના આ પ્રથમ મર્યાદા મહોત્સવના
આયોજનનું સદ્ભાગ્ય ભુજને પ્રાપ્ત થયું છે. - શું
પૂર્વ તૈયારી કરવાની હોય છે ? : તેરાપંથ ધર્મસંઘનો
મર્યાદા મહોત્સવ આમ તો કહેવાય 3 દિવસનો, પણ તેની તૈયારી માટે 1 વર્ષ પણ ઓછું પડે. ફબ્રુઆરીની
2થી 4 તારીખે યોજાશે. યોગ્ય સ્થળની પસંદગી ખૂબ સમય માગી લે છે. વિશાળ ધવલસેના સાથે
રસ્તાની સેવા કરવા માટે અનેક કાર્યકર્તા સાથે સક્રિયતા પણ જોઈએ. સાધુ-સાધ્વીજીની ગૌચરી
અને ગામે ગામ તેમની રહેવાની વ્યવસ્થા સાથે માનવ ચેતનાના વિકાસ માટેના સાર્થક પ્રયત્નો
`પુણ્ય સમ્રાટ ગુરુદેવ'ના પુણ્યથી જ સંભવ
બને છે. મર્યાદા મહોત્સવમાં સહભાગી થવા પૂરા ભારતવર્ષથી આવનાર વિશાળ જનસમૂહ માટેની
સર્વાંગી વ્યવસ્થા માટે અનેક કમિટી બનાવવી પડે છે. ધર્મસંઘના દરેક સદસ્યોના શ્રમ અને
ઉત્સાહ દરેક કાર્યને મુકામ સુધી પહોંચાડે છે. અનંત મુનિ તેમજ વિપુલ મુનિની પ્રેરણા
અમારા સૌ માટે પ્રેરક બને છે. - મહોત્સવ એક સંપ્રદાયનો
છે ? : મર્યાદા મહોત્સવ
ભલે એક સંપ્રદાયનો છે, પણ તેમાં જૈન ધર્મના સાતે સંઘનો સહયોગ જૈન એકતાનો સુંદર આદર્શ
પ્રસ્તુત કરી જૈન ધર્મની પ્રભાવના વધારી રહ્યો છે. સંપ્રદાય તો એક લેબલ છે, પણ અમારા
સૌનું એક માત્ર લક્ષ્ય શ્રમણ ભગવાનશ્રી મહાવીરના પથ પર ચાલવાનું છે. મર્યાદા અને અનુશાસન
જીવનના દરેક તબક્કે જરૂરી છે અને એટલે હું તો ત્યાં સુધી કહીશ આ મર્યાદા મહોત્સવ તેરાપંથ
કે સમસ્ત જૈનનો જ નહીં પણ જનજનનો છે. - કચ્છ
યાત્રાની ફલશ્રુતિ શું હોય ? : આચાર્ય મહાશ્રમણજી
એક એવા સંત છે જે માનવતા અને નૈતિકતાના માર્ગે સૌને ચાલવાની પ્રેરણા આપે છે. મૈત્રીભાવનો
વિકાસ અને વ્યસનમુક્ત સમાજ તેઓ ઇચ્છે છે અને તેના માટે સતત પ્રયત્નશીલ છે. આહિંસાના
પૂજારી એવા આ આચાર્યની કચ્છ યાત્રાથી કચ્છમાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ તો થવાનો જ
અને તેની સાથેસાથે મનુષ્યજીવનની અનેક સમસ્યાનું સમાધાન પણ મળવાનું એ નક્કી છે. - તમારામાં કોઇ પરિવર્તન આવ્યું ? : તેરાપંથ ધર્મસંઘ અને ગુરુઆજ્ઞાને અસ્તિત્વનો એક હિસ્સો માનવાનો
પ્રેરક બોધ મારા પિતાજીએ મને કેમ આપ્યો તેની સાચી સમજણ મર્યાદા મહોત્સવના અધ્યક્ષ બન્યા
પછી મને પડી એમ કહું તો જરા પણ અતિશયોક્તિ નથી. મર્યાદા મહોત્સવના અધ્યક્ષ બન્યા પછી
ગુરુદર્શનનો લાભ વારંવાર મને મળ્યો. અનેક સંયમી જીવોના સંપર્કથી મારામાં પણ ધર્મચેતનાનો
વિકાસ થયો છે, એવું મને લાગે છે. આધ્યાત્મિક વાતાવરણમાં રહેવાથી મનની મલિનતા ઓછી થાય
છે અને સ્વભાવમાં સહજતા આવે છે. સાર્થક જીવન કોને કહેવાય? આ પ્રશ્નનો જવાબ ગુરુદેવ
અને તેમની ધવલસેનાને જ્યારે જ્યારે પૂજ્યભાવથી નિહાળું છું ત્યારે મને મળે છે. - કચ્છમિત્ર તથા વાંચકોને સંદેશ ? : જ્યારે હું નાનો હતો ત્યારથી કચ્છમિત્રને વાંચતો આવ્યો છું.
સમયની સાથેસાથે ચાલવાવાળું ન્યૂઝ પેપર છે. દરેક સમાજની સાથે જોડાઈને સમાજ તથા દેશના
વિકાસ માટે હંમેશાં તત્પર સમાચારપત્ર છે. સમય સમય પર દરેક ધાર્મિક સમાચાર પણ વ્યવસ્થિત
પ્રકાશિત કરી રહ્યું છે.