• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

ઋગ્વેદ વિશ્વનો પ્રાચીન ગ્રંથ

ભુજ, તા. 17 : વેદોનું અધ્યયન કહે છે કે, આપણા દેશની સંસ્કૃતિ, પરંપરાઓમાં વિભિન્નતા હોવા છતાં વિવિધતામાં એક્તા છે, આપણી આ સંસ્કૃતિનું સાચું દર્શન વેદોમાં થાય છે અને આથી જ યુનેસ્કોએ પણ સ્વીકાર્યું છે કે, ઋગ્વેદ એ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. આજે ભુજ ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મહર્ષિ સાંદીપનિ રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાન- ઉજ્જૈન, શિક્ષણ વિભાગ, ભારત સરકાર - નવી દિલ્હી, સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળ રાપર-ચાંદ્રાણીના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ક્ષેત્રીય વૈદિક સંમેલનનો આરંભ કરાવતા પ્રખર વક્તા અને  બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આપણા માટે વેદોની મહત્ત્વતા દર્શાવી તેના ગુણગાન કર્યા હતા. ત્રણ દિવસના વૈદિક સંમેલનના આરંભે પ્રસાદી મંદિર ખાતે સવારે વેદ પારાયણ સત્ર તથા ઋગ્વેદ સ્વાહાકાર યજ્ઞ તથા સુરભિયજ્ઞનું આયોજન કરાયું હતું. આ વૈદિક સંમેલનમાં દોઢસોથી વધારે વેદપાઠી બ્રાહ્મણો ભાગ લઇ રહ્યા છે. આજે સવારે દીપ પ્રાગટયથી સંમેલનને ખુલ્લું મુકાયું ત્યારે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો, ગુરુકુળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વિશ્વમાં આજે તણાવ, અહિંસા અને અશાંતિનો માહોલ છે ત્યારે તેમાંથી બહાર આવવાનો માર્ગ આપણી સંસ્કૃતિના માધ્યમથી સંતો-મહંતો બતાવી શકવા સક્ષમ છે આથી પોતે તેમના આશીર્વાદ મેળવવા આવ્યા હોવાનું કહી 1948માં અનેકોએ માનવ અધિકારનો સ્વીકાર કર્યો છે, પરંતુ ભારત દેશે તો તેનો સ્વીકાર સદીઓ પૂર્વે કર્યો છે. આપણી સંસ્કૃતિ આપણને દરેક માનવીમાં દિવ્યતાનાં દર્શન કરવાનું શીખવે છે. માનવ દેહને દેવાલય રૂપે જોવાની આપણી પરંપરા છે. સ્વામી વિવેકાનંદે પણ માનવને પોતાનામાં રહેલી દિવ્યતાનાં દર્શન કરવાનું કહેતાં હોવાનું ટાંકી એમણે વેદ અભ્યાસ અને અધ્યયન દ્વારા આપણી મહાન સંસ્કૃતિનો પરિચય કેળવવા શીખ આપી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજીએ આપણા સંસ્કાર તથા સંસ્કૃતિના રક્ષણ માટે વેદ અભ્યાસની  આવશ્યકતા દર્શાવી આગામી દિવસોમાં અંજારના ચાંદ્રાણી ખાતે ગુરુકુળની સ્થાપના કરાઇ રહી હોવાની વિગતો આપી આ ગુરુકુળ આપણી પ્રાચીન પરંપરાગત ગુરુકુળના સિદ્ધાંતો મુજબ જ કાર્ય કરશે, જેમાં વેદ અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને કૌશલ્યનું જ્ઞાન પણ અપાશે, જેથી તે અર્થોપાર્જન સાથે વેદની રક્ષાનું પણ કાર્ય કરી શકે. સાંદીપનિ વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈનના સચિવ પ્રા. વિરુપાક્ષ જડિયાલે વૈદિક સંમેલનની વિગતો આપતાં જણાવ્યું હતું કે, 1987માં સાંદીપનિ વેદ વિદ્યા પ્રતિષ્ઠાનની સ્થાપના થયા પછી દેશભરમાં આ પ્રકારના સંમેલનો યોજી વેદ પ્રચાર અને તેની રક્ષા કરવાનો નિર્ધાર કરાયો છે. ઉદ્ઘાટન સમારોહનું સંચાલન અક્ષરમુનિ સ્વામીએ કર્યું હતું. આભારવિધિ જ્ઞાનસ્વરૂપદાસ સ્વામીએ કરી હતી. આ અવસરે ભુજ મંદિરના સ્વામી ભગવાનદાસજી, બાલકૃષ્ણદાસજી, મુકુંદજીવનદાસજી સહિત ઉપસ્થિત રહ્યા હતા. આજે વૈદિક સંમેલનના બપોર પછીના સત્રમાં વિચારગોષ્ઠિનું આયોજન પ્રસાદી મંદિર ખાતે કરાયું હતું, જેમાં સાંદીપનિ વિદ્યાપીઠ ઉજ્જૈનના સદાનંદ ત્રિપાઠીએ વેદ વાંગ્મયમાં સમુદ્ર વિજ્ઞાન એ વિષય પર શોધપત્ર રજૂ કર્યું હતું. આ પ્રસંગે આર.એસ.એસ.ના સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહક પ્રો. મહેશ ઓઝા, સાંદીપનિ આશ્રમ ઉજ્જૈનના પ્રા. હૃદયરંજન શર્મા, વિરુપાક્ષ જડિયાલ,  મૂળજીભાઇ શિયાણી, જાદવજીભાઇ ગોરસિયા, સમગ્ર આયોજન કોઠારી સ્વામી અક્ષરપ્રિયદાસજીએ કર્યું હતું. આવતીકાલે બપોરે સાડા ત્રણ વાગ્યે ભુજ પ્રસાદી મંદિરથી વેદયાત્રાનો આરંભ થશે જે શહેરના માર્ગો પર ફરી પ્રસાદી મંદિરે પરત ફરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd