તેલ અવીવ, તા. 17 : અનેક
પ્રકારની અટકળો, વાદ-વિવાદ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સુરક્ષા
કેબિનેટે અંતે ગાઝામાં યુદ્ધ વિરામ સમજૂતીને મંજૂરી આપી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ
પદે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ પહેલા આ મહત્વનો ઘટનાક્રમ છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ત્રણ
તબક્કામાં યુદ્ધવિરામ સમજૂતી પૂરી કરાશે. જો કે હવે મંજૂરી માટે યુદ્ધવિરામનો પ્રસ્તાવ
પૂર્ણ કેબિનેટમાં જશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 1પ મહિનાથી ભીષણ યુદ્ધ ખેલાઈ રહ્યું
છે જેનો હવે અંત આવી શકે છે. હમાસે બંધક બનાવેલા ઈઝરાયલી નાગરિકોની મુક્તિની સંભાવના
પણ વધી છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ શુક્રવારે કહ્યું કે બંધકોને પરત લાવવા સમજૂતી
કરાઈ છે. ઈઝરાયલમાં શુક્રવારે સુરક્ષા કેબિનેટ અને સરકારની આ મુદ્દે મહત્ત્વની બેઠક
યોજાઈ હતી. ગુરુવારે નેતન્યાહૂએ કોઈ યુદ્ધવિરામ ન થયાનું એલાન કર્યુ હતું. અંતે શુક્રવારે
બન્ને પક્ષ વચ્ચે સમજૂતી થયાનું સામે આવ્યું જે મુજબ સીઝફાયર 6 સપ્તાહનું રહેશે. દરમિયાન
ઈઝરાયલી દળો ગાઝાથી પરત ફરશે. ઉપરાંત ગાઝામાં પેલેસ્ટાઈનીઓની વાપસી થશે. માનવીય મદદ
લઈ જતાં 600 ટ્રકોને ગાઝામાં જવા દેવાશે જેમાં પ0માં ઈંધણ હશે. હમાસ દર સપ્તાહે 3 ઈઝરાયલી
બંધકોને આઝાદ કરશે. જેની સામે ઈઝરાયલ સપ્તાહમાં 60 પેલેસ્ટાઈની કેદીઓને છોડશે. ઈઝરાયલ
પોતાના પ્રત્યેક એક નાગરિક સામે 30 પેલેસ્ટાઈની કેદીને છોડી મૂકશે. હમાસે શરત મૂકી
છે કે ઈઝરાયલ ગાઝામાંથી સંપૂર્ણ રીતે હટી જાય પછી જ તમામ બંધકોને છોડવામાં આવશે. બીજા
તબક્કાની વાતચીત 16 દિવસ બાદ થશે અને ત્રીજા તબક્કામાં એકબીજાને મૃતદેહો સોંપવામાં
આવશે. છેલ્લા તબક્કામાં ગાઝામાં પુન:નિર્માણ શરૂ કરાશે.