મુંબઈ, તા. 3 : સપ્તાહના અંતે શુક્રવારે વેચવાલીના દબાણ નીચે
ભારતીય બજારો તૂટયાં હતાં. સેન્સેક્સ 720.60 અંક (0.90 ટકા) ઘટીને 79,223.11 જ્યારે
નિફ્ટી 183.90 અંક (0.76 ટકા) ઘટીને 24,004.75 ઉપર બંધ રહ્યા હતા. આ સપ્તાહમાં સેન્સેકસ
524.04 પોઇન્ટ્સ અને નિફ્ટી 191.35 અંક વધ્યો હતો. કૉર્પોરેટ પરિણામોની સિઝન આગામી
સપ્તાહમાં ચાલુ થાય તે પહેલાં બેન્ક, ફાર્મા અને આઈટી શેરોમાં નફાતારવણી થઈ હતી. રૂપિયાના
ઘટતાં જતાં મૂલ્યની પણ બજાર ઉપર નકારાત્મક અસર થઈ હતી. સેન્સેક્સ 79943.71 ખૂલીને કારોબાર
દરમ્યાન ઊંચામાં 80072.99 અને નીચામાં 79109.73 સુધી જઇ અંતે 79223.11 બંધ આવ્યો હતો. સેન્સેક્સમાં ઝોમેટો,
એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટસ, ટીસીએસ, સન ફાર્મા, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ
બેન્ક, એચસીએલ ટેક અને આઈટીસી સૌથી વધુ ઘટયા હતા, જ્યારે તાતા મોટર્સ, નેસ્લે, ટાઇટન,
હિન્દ યુનિલિવર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વધ્યા હતા. બીએસઈ મિડકેપ 0.33 ટકા અને સ્મોલકેપ
0.02 ટકા ઘટયો હતો. એનર્જી, ટેલિકોમ્યુનિકેશન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, યુટિલિટીઝ, મેટલ,
ઓઇલ અને ગેસના શેર વધ્યા હતા.