નવી દિલ્હી, તા.3 (પીટીઆઈ) : ભારત અને ચીન વચ્ચેનો એલએસીનો મુદ્દો ઉકેલાઈ જ રહ્યો હતો ત્યાં
જ ચીનની સરકારે ફરી પોતાનો લોભી ચહેરો બતાવ્યો છે. ચીને લદ્દાખના કેટલાક વિસ્તારોને
પોતાનો હોવાનો દાવો કરતાં નારાજ ભારતે તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ
શબ્દમાં પાડોશી દેશને જણાવી દીધું હતું કે ગેરકાયદે કબજો સ્વીકાર્ય નથી. ચીની સરકારી
મીડિયા એજન્સી શિન્હુઆએ ગત 27 ડિસેમ્બરે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમી ચીનના ઝિજિયાન
ઉઈગર વિસ્તારમાં હોતાન પ્રાંતમાં બે નવી કાઉન્ટી હેઆન હેકાંગ બનાવવાની ઘોષણા કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ પ્રકારના કોઈ પણ ચીની કબજાનો
સ્વીકાર કરવામાં આવશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું
કે હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટીઓની ઘોષણા
પર ચીન સામે `મજબૂત વિરોધ` નોંધાવાયો છે, કારણ કે તેના ભાગો લદ્દાખના
કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ આવે છે. તેમણે કહ્યું હતું કે ચીને પોતાની આ પરિયોજના અટકાવવી જ પડશે કેમકે તે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે. અમે રાજદ્વારી
માધ્યમથી ચીની પક્ષ સમક્ષ અમારો વાંધો દર્જ કરાવ્યો છે. જયસ્વાલે કહ્યું કે ભારતે આ
વિસ્તાર પર ચીનના ગેરકાયદેસર કબજાને ક્યારેય સ્વીકાર્યો નથી. તેમણે કહ્યું, મંત્રાલયે
ચીનના હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટીઓની રચના સાથે સંબંધિત જાહેરાતની નોંધ લીધી છે.
`આ કહેવાતા કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના કેટલાક
ભાગો ભારતના લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવે છે'. ઉલ્લેખનીય છે કે, ચીને ભારતની
સરહદ પાસે બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે જે મુદ્દો પણ
ભારત માટે ચિંતાજનક છે. ત્યાં હવે ચીને હોતાન પ્રાંતમાં પણ બે કાઉન્ટી રચવાની વાત કરતાં
નવેસરથી તનાવ સર્જાય તેવી શક્યતા છે.