• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કારગિલમાં નાપાક ભૂમિકાની પ્રથમવાર કબૂલાત

ઈસ્લામાબાદ, તા.7 : કારગિલ યુદ્ધ અંગે પહેલી જ વખત પાકિસ્તાની સેનાએ પોતે સામેલ હોવાની જાહેરમાં કબૂલાત કરી છે. આ યુદ્ધમાં તેની કારમી હાર થઈ હતી. પાકિસ્તાની સેનાના વડા જનરલ અસીમ મુનીરે જણાવ્યું હતું કે, 1999ના કારગિલ સહિત અનેક યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકે પોતાની જાન ગુમાવી હતી. આ નિવેદનને ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. કેમ કે, આ પહેલાં પાકિસ્તાને કયારેય પણ કારગિલ યુદ્ધમાં પોતાની સેનાની ભૂમિકા સ્વીકારી ન હતી. રાવલપિંડીમાં દેશના સંરક્ષણ દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં પાકિસ્તાની સેનાના વડાએ કહ્યું કે, 1965, 1971 અને 1999ના કારગિલ સહિતનાં યુદ્ધમાં લડતાં અનેક પાકિસ્તાની સૈનિકે પોતાની જાન ગુમાવી હતી. જનરલ મુનીરે કહ્યું કે, પાકિસ્તાની સમુદાય બહાદુરોનો સમુદાય છે. જે સ્વતંત્રતાના મહત્ત્વ અને તેના માટે ચૂકવવાની રીતને સમજે છે. પછી તે 1948, 1965, 1971 હોય કે 1999નું કારગિલ યુદ્ધ, હજારો સૈનિકોએ દેશ અને ઈસ્લામ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આને પાકિસ્તાની સેનાનો છેલ્લા 25 વર્ષમાં પ્રથમ સ્વીકાર માનવામાં આવી રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ આ પહેલાં કદી પણ જાહેરમાં કારગિલ યુદ્ધમાં પોતાની સીધી ભૂમિકાનો સ્વીકાર કર્યો ન હતો અને કારગિલના યુદ્ધને `મુજાહિદ્દીન કે આઝાદીના લડવૈયા'ની લડાઈ તરીકે ગણાવ્યું હતું. કારગિલ યુદ્ધના વિલન એવા પૂર્વ પાકિસ્તાની પ્રમુખ જનરલ પરવેઝ મુશરફે એકથી વધુવાર પાકિસ્તાને આ ગુસ્તાખી કરી હોવાની વાત કબૂલી છે. કાશ્મીરનાં કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરનારા દુશ્મનોને સફળતાપૂર્વક સફાયો કરીને ભારતે ત્રણ મહિના ચાલેલા યુદ્ધમાં ટાઈગર હિલ સહિતનો વિસ્તાર કબજા મુક્ત કર્યો હતો અને પાકિસ્તાનને કારમી હારનો  સામનો કરવો પડયો હતો. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને પણ પાકિસ્તાની પીએમ નવાઝ શરીફને કારગિલ સેક્ટરમાંથી સેના પાછી બોલાવી લેવા કહ્યું હતું. યુદ્ધમાં જીતની યાદમાં જ કારગિલ વિજય દિવસ ઊજવવામાં આવે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang