• બુધવાર, 15 મે, 2024

600 કરોડનાં ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

પોરબંદર, તા. 28 : પોરબંદરના અરબી સમુદ્રમાંથી પાક બોટ મારફત ડ્રગ્સનો જંગી જથ્થો આવતો હોવાની બાતમીના આધારે કોસ્ટગાર્ડ અને એનસીબી તથા એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પાક બોટને ઝડપી લઈ રૂા. 602 કરોડનાં ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં વડાપ્રધાનના આગમન સમયે ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાતાં તમામ એજન્સીઓએ તપાસમાં ઝૂકાવ્યું હતું અને સમગ્ર પ્રકરણના અંકોડા મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પોરબંદરના દરિયામાંથી પાક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો આવતો હોવાની માહિતીનાં પગલે કોસ્ટગાર્ડ અને એનસીબીનો સ્ટાફ સતર્ક બન્યો હતો અને ઓપરેશન પાર પાડવા માટે ભારતીય કોસ્ટગાર્ડનાં જહાજો અને વિમાન સમવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યાં હતાં અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જહાજ રાજરતન, જેમાં એનસીબી અને એટીએસના અધિકારીઓ જોડાયા હતા અને દરિયામાં રાત દરમ્યાન હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પાક બોટને ઝડપી લઈ તલાસી લેવામાં આવતા પાકની ફિશિંગ બોટમાંથી રૂા. 600 કરોડનો 78 પેકેટમાંનો 86 કિલો હેરોઇનનો જથ્થો મળી આવતાં કબજે કર્યો હતો અને પાક બોટમાં રહેલા 14 ક્રૂ પાકિસ્તાનીને ઝડપી લીધા હતા. કોસ્ટગાર્ડ અને એનસીબી તેમજ એટીએસના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પકડાયેલા 14 પાકિસ્તાનીને પોરબંદર ખાતે લાવી 14 પાકિસ્તાનીની જુદા-જુદા અધિકારીઓ દ્વારા પૂછતાછ હાથ ધરવામાં આવી હતી તેમજ પોરબંદર એસઓજી દ્વારા પણ પાકિસ્તાનીઓની ક્રોસ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાનું નામ ખૂલે તેવી શક્યતા જણાવાઈ રહી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું કે,  કોસ્ટગાર્ડ અને એટીએસ અધિકારીઓએ બહાદુરીથી ઓપરેશન પાર પાડયું.  કોસ્ટગાર્ડના એક અધિકારીએ ગોળીબાર કરવો પડયો હતો. પછી પાકિસ્તાનીઓ શરણે આવ્યા હતા. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા ત્યારે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો અને આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય ત્યારે ફરીથી પોરબંદરના દરિયામાંથી 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang