ગાંધીધામ, તા. 14 : ભચાઉ તાલુકાનાં માય ગામમાં રહેનાર એક ખેડૂત પાસેથી ટ્રક વેચાતી લઇ બાદમાં તેના લોનના હપ્તા ન ભરતાં આ અંગે બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. માય ગામમાં રહેનાર ખેડૂત એવા સાજણ સોમા રબારીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, આ આધેડે જી.જે. 12 બી.ઝેડ. 1316વાળી?ટ્રક લીધી હતી અને એચ.ડી.બી. ફાયનાન્સ ગાંધીધામમાંથી તેની રૂા. 12,42,000ની લોન લીધી હતી. જાતે ડ્રાઇવિંગ કરનાર આ ફરિયાદીથી લોનના હપ્તા ભરાય તેમ ન હોવાથી તેમણે ગાડી વેચવા કાઢી હતી. દરમ્યાન, મોરબીના હૈદર હબીબ કટિયાએ ગાડી લેવા જણાવ્યું હતું. રૂા. 13,27,028માં સોદો નક્કી થયો હતો. આ શખ્સે આઠેક દિવસ સુધી ગાડી રાખી અમને ગાડી મોંઘી પડશે તેમ કહી ગાડી પરત આપી દીધી હતી, બાદમાં પોતાના ઓળખીતા દ્વારકેશ પ્રકાશ સિદ્ધપુરાને ગાડી લેવાની વાત કરી હતી. આ દ્વારકેશ અહીં આવતાં ગાડી જોઇ પસંદ કરી રૂા. 13,27,028માં સોદો નક્કી કરાયો હતો. ફરિયાદીને રૂા. 80,000 આપી બેંકની લોનના બાકીના હપ્તા પોતે ભરી નાખશે તેવું લખાણ નોટરી સમક્ષ કરાયું હતું, પરંતુ બાદમાં આ શખ્સોએ લોનના હપ્તા ન ભરતાં બેંકવાળા ફરિયાદી પાસેથી હપ્તાની માંગ કરતા હતા. ગત તા. 28/12/2023ના બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ?ધરી છે.