• બુધવાર, 22 મે, 2024

ડાયાબિટીસ, થાઈરોઈડના દર્દીની વધતી સંખ્યા ગંભીર બાબત

બિદડા, તા. 14 :  બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ડાયાબિટીસ અને થાઈરોઈડ કેમ્પ યોજાયો હતો. મુંબઈના ડો. અમૃત વોરાએ 41 ડાયાબિટીસ અને 3 થાઈરોઈડના દર્દીની તપાસણી કરી હતી. જરૂરતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ અપાઈ હતી. પ્રસંગે ડો. અમૃત વોરાએ જણાવ્યું કે, ડાયાબિટીસ અને થાઈરોઈડ રોગને કાબૂમાં રાખવા માટે દર્દીઓએ નિયમિત દવાઓ લેવી જરૂરી છે. રોગને નાબૂદ તો કરી શકાય નહીં, પરંતુ નિયંત્રણમાં જરૂર રાખી શકાય છે. સમયસર ફોલો-અપ તપાસણી, દિનચર્યામાં કસરત અને યોગનો સમાવેશ, ખાવા-પીવાની વસ્તુઓમાં પરહેજગી વિ.  સાવધાની જાળવવાથી આવા રોગોને કાબૂમાં રાખી શકાય છે. થાઈરોઈડની બીમારીમાં હોર્મોન્સમાં વધારો કે ઘટાડો થવો, થાઈરોઈડ ગ્રંથિ મોટી થવી, વજનમાં ખૂબ વધારો કે ખૂબ ઘટાડો થવો વિગેરે જેવાં લક્ષણો જણાય છે. થાઈરોઈડની બીમારીથી પીડાતા દર્દીઓને સામન્યત: જીવનપર્યંત દવાઓ લેવી પડે છે અમુક કારણોમાં ટૂંક સમય દવા લેવા બાદ બીમારીમાંથી છુટકારો પણ મળી રહે છે. ટ્રસ્ટના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું કે, ડો. અમૃત વોરા ચાર દાયકાથી બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે સેવાઓ આપી રહ્યા છે. હાલમાં ડાયાબિટીસ અને થાઈરોઈડના દર્દીઓની સંખ્યા વધી રહી છે, જે એક ગંભીર સમસ્યા છે. ટ્રસ્ટ મધ્યે દરમહિને વિવિધ રોગ શિબિરો પણ યોજવામાં આવે છે. તદુપરાંત આંખ વિભાગ, દાંત વિભાગ, સ્ત્રીરોગ વિભાગ, દવાખાના વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, રતનવીર નેચરક્યોર સેન્ટર અને તારામતી વેલનેસ સેન્ટર અને વી-ટ્રાન્સ રીજુવિનેશન અને હીલિંગ સેન્ટર દૈનિક કાર્યરત છે. દર અઠવાડિયે વિવિધ રોગના વિઝિટિંગ ડોક્ટરોની સેવાઓ પણ ઉપલબ્ધ હોય છે. દર્દીઓએ વધુ માહિતી માટે 96879 82444 નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું. ટ્રસ્ટી શાંતિભાઈ વીરા અને ડો. મયૂર મોતાએ દાતાઓ, તબીબો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વયંસેવક તરીકે અમૃતલાલ મારુએ સેવા આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang